October 30, 2024

આ ગામમાં છે 7 પાંદડાનું બીલીપત્રનું ઝાડ, લોકો તોડીને શિવજીને અર્પણ કરે છે

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ શ્રાવણ માસનો મહિમા એટલે ભગવાન શિવની આરાધનાનું પર્વ. ભગવાન શિવના મંદિરોમાં બીલીપત્રથી અભિષેક કરવાની પરંપરા આદિકાળથી થતી આવી છે. ત્યારે લંકાપતિ રાજા રાવણ પણ શિવજીને 21 પાનના બીલીપત્રથી અભિષેક કરતા હોવાનું રામાયણ સહિતના ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે.

21 પાનનાં બીલીપત્રનાં દર્શન કરવા પણ દુર્લભ હોય છે. હાલ તો માત્ર 1 પાનથી લઈને 3 પાનના બીલીપત્રો જ ભગવાન શિવના અભિષેકમાં ઉપયોગમાં લેવાય છે. પરંતુ ધારી-ગીરના દીટલા ગામના ખેડૂત ઉકાભાઇ ભટ્ટીને ત્યાં એક બીલીનું વૃક્ષ છે. તેમાં 1 પાનથી લઈને 7 પાન સુધીના બીલીપત્ર આવે છે અને ભાગ્યેજ જોવા મળતા 7 પાનના બીલીપત્ર ઉકાભાઇ ભટ્ટીને ત્યાં બહારગામથી લેવા આવે છે. તેમના ત્યાંથી બીલીપત્ર તોડીને મહાદેવના મંદિરોમાં અભિષેક માટે શ્રદ્ધાળુઓ લઈ જાય છે.

શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ ઊમટતી હોય છે. શિવજીને વ્હાલા બીલીપત્રનો અભિષેક કરવાથી શિવજી પરમકૃપા કરતા હોય ત્યારે બહારગામથી પણ બીલીપત્રનું વૃક્ષ જોવા આવે છે. લોકો જાતે જ બીલીના વૃક્ષ પરથી બીલીપત્ર ઉતારીને અભિષેક કરવા લઈ જતા શ્રદ્ધાળુઓ માટે ઉકાભાઈ ભટ્ટી હંમેશા તત્પર હોય છે. જાતે બીલીના વૃક્ષ પરથી 5 પાન, 7 પાનના બીલીપત્ર ઉતારીને સોમનાથ મહાદેવથી લઈને કનકાઈ બાણેજ સહિતના મંદિરોમાં મોકલ છે. મહાનગરોમાંથી પણ 5 પાન, 7 પાનના બીલીપત્રો ઉકાભાઇ ભટ્ટી મોકલતા હોવાનું જણાવ્યું હતું.

સામાન્ય રીતે 1થી લઈને 3 પાનના બીલીપત્રો મંદિરોમાં અભિષેક દરમિયાન જોવા મળતા હોય છે, પરંતુ કુદરતી રીતે ઉકાભાઈ ભટ્ટીની વાડીમાં બીલીના વૃક્ષમાં 5 પાનથી લઈને 7 પાન અને 9 પાનનાં પણ બીલીપત્ર જોવા મળ્યા હતા.