સરકારી સહાય વગર આ ગામ બન્યું લીલુંછમ, જળસંચય કરવા ગ્રામજનોએ જાતે 60 ચેકડેમ બનાવ્યાં

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લાનું ધારી તાલુકાનું ગીગાસણ જળસંચયથી આત્મનિર્ભર ગામ બન્યું છે. આ ગીગાસણ ગામની 2500ની વસતિ છે અને આ ગામ અન્ય ગામડાંઓ કરતાં અલગ પડે છે. આ ગામે આત્મનિર્ભર બનીને જળસંચય કર્યું છે. તેમાં સરકારની કોઈપણ પ્રકારની મદદ લીધી નથી. ગામલોકોએ ભેગા મળીને લગભગ 60 ચેકડેમ બનાવી જળસંચયની ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.

ધારી તાલુકાના ગીગાસણ ગામનો મોટો વર્ગ વ્યવસાય અર્થે નવસારી, સુરત, અમદાવાદ સ્થાયી થયો છે. આ ગામમાં રહેતા લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. ગીગાસણ ગામમાં પણ ભૂગર્ભ જળના તળિયા ઉંડા જઈ રહ્યા હતા. ત્યારે ગામનું નામ બદલવાનું નામ માત્ર ચેકડેમ છે. ગામની આસપાસ પસાર થતા નદી નાળા પર લગભગ 60 જેટલા ચેક ડેમ બાંધીને જળસંચય કામગીરી કરવામાં આવી છે. તેના લીધે વરસાદની વહી જતા પાણીનો સંગ્રહ થયો અને તે જમીનમાં ઉતરવા લાગ્યું છે. ત્યારે સરકારના એક પણ રૂપિયાની સહાય વગર ગામજનો દ્વારા સહિયારા પ્રયાસથી આ ચેકડેમ બનાવ્યાં છે.

આ પણ વાંચોઃ અમદાવાદના પરિવારને સ્માર્ટ મીટરમાં આવ્યું 6 લાખ બીલ, માસિક આવક 20 હજાર!

ગીગાસણ ગામના લોકો આત્મનિર્ભર બન્યા છે અને આ ડેમ બનાવવાથી ગીગાસણ ગામનું તળ 1 હજાર ફૂટનું હતું તે તળ 300 ફૂટનું થઈ ગયું છે. ગામમાં પીવાના પાણીની સમસ્યા હતી તે પણ હલ થઈ ગઈ છે. તેમજ છેલ્લા ત્રણ વર્ષથી ગીગાસણ ગામમાં રીંગ બોર કરવાનું મશીન આવ્યું નથી. ખેડૂતો રીંગ બોર માટે લાખો રૂપિયાનો ખર્ચો કરતા હતા એ ખર્ચો ટળી ગયો છે અને દરિયામાં જતું પાણીનો સંગ્રહ કરે છે. આ કરવા ગામની આર્થિક પરિસ્થિતિ સુધરી છે. પશુપાલકોને ઘાસચારામાં ફાયદો થયો છે અને ગામજનોની આર્થિક સ્થિતિ સારી થવાથી ગીગાસણ ગામમાં સારો એવો વિકાસ થયો છે અને આવી રીતે અમરેલી જિલ્લાના તમામ ગામોએ ચેક ડેમો બાંધી જળસંચય કરવા ગામના નિવૃત્ત તલાટી મંત્રી મગનભાઈ શિરોયાએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ સિંહો સહિત વન્ય પ્રાણીઓ માટે જંગલમાં પાણીની વ્યવસ્થા, નવા 17 પોઇન્ટ બનાવ્યાં

અમદાવાદમાં વસતા ગીગાસણ ગામના લોકોએ ગામને મદદરૂપ થવા અને માતૃભૂમિનું ઋણ ચૂકવવાના ઉદ્દેશથી 2004માં શ્રી ગીગાસણ કેળવણી મંડળ અમદાવાદની સ્થાપના કરી હતી. આ સંસ્થાના સ્થાપક ડો. મનસુખભાઈ કોટડીયા હતા. આ ગામમાં મોટી સંખ્યામાં ચેકડેમ બનાવવાનો વિચાર પણ આ સંસ્થાના હોદ્દેદારોને જ આવ્યો હતો. તે સમયે ભરતભાઈ ભુવા સંસ્થાના પ્રમુખ હતા. આ ગામ લોકોને આર્થિક પગભર બનાવવા માટે ખેતીને સદ્ધર કરવી પડે અને ખેતીને સદ્ધર કરવા માટે પાણીની સમસ્યાનું નિવારણ કરવું પડે. ત્યારબાદ ગામમાં ચેકડેમ બનાવવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો.

ગીગાસણ ગામમાં ભંડોળ એકઠું થઈ ગયું હતું. ત્યારે અમદાવાદમાં બાંધકામ સાથે જોડાયેલા લોકોએ સસ્તા ભાવે સિમેન્ટ-લોખંડ જેવું રોમટિરિયલ મોકલાવી ચેકડેમના બાંધકામ માટે જરૂરી સાધનો પણ ગામડે પહોંચાડવામાં આવ્યા હતા. પછીનું કામ ગામવાસીઓએ સંભાળી લીધું હતું. ગીગાસણ ગામના જળસંચયના આ કામ પાછળ અત્યાર સુધીમાં એક કરોડ સુધીનો ખર્ચ કરવામાં આવ્યો છે. એક કરોડના ખર્ચમાં લગભગ 60 જેટલા ચેકડેમ બનાવવામાં આવ્યા છે તો કેટલાક જુના ચેકડેમનું રિપેરીંગ કરવામાં આવ્યું છે. ગામની સીમમાં જ્યાંથી પણ નાના-મોટા નદી નાળા પસાર થતા હોવાથી અને ચેકડેમ બને તેવી જગ્યા હોય ત્યાં નાના મોટા ચેકડેમ નિર્માણ કરવામાં આવ્યું છે.

ઘણા બધા ગામડાઓમાં ગામલોકો ભેગા મળીને કોઈને કોઈ કાર્ય કરતા હોય છે. ગામના પ્રવેશદ્વાર બનાવવા, મંદિર બનાવતા, ડાયરાઓનાં આયોજન થતા હોય છે. તેમજ સમાજની વાડીઓ બનતી હોય છે. આ બધું થવું જ જોઈએ પરંતુ સાથે જળસંચયનું કામ પણ કરવું જોઈએ. ગીગાસણ ગામમાં જે થયું તેવું જળસંચયનું કામ જો દરેક ગામમાં થવા લાગે તો ખેતીને લાભ થશે તેમજ ગામના તળ પણ ઊંચા આવશે. ગીગાસણ ગામમાં પાણીની સમસ્યા પણ છેલ્લા ત્રણ વર્ષથી હલ થઈ છે. તેમ જ ખેડૂતો પણ ચોમાસું, શિયાળો અને ઉનાળું ત્રણ પાક લેતા થયા છે. તેવું સ્થાનિક ખેડૂતે જણાવ્યુ હતુ.