ધારીના આંબરડી પાર્કમાં પરાગવાહક પાર્કનું વધુ એક નવું નજરાણું

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લાના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં વનવિભાગ દ્વારા પર્યટકો અને મુલાકાતીઓ માટે એક સુવિધામાં વધારો કર્યો છે અને પરાગવાહક પાર્ક વિકસાવવામાં આવ્યું છે.
આ પરાગવાહક પાર્કનો હેતુ આંબરડી પાર્કમાં મુલાકાતીઓ માટે વિવિધ પરાગવાહકોના અવલોકનની તક પૂરી પાડવા માટે તેમજ વનસ્પતિ અને પરાગવાહકો વચ્ચેનાં જટિલ સંબંધોને પ્રકાશિત કરીને જીવંત શિક્ષણ કેન્દ્ર તરીકે કાર્ય કરવાના હેતુસર વન વિભાગ દ્વારા આંબરડી સફારી પાર્કમાં એક સુવિધાનો વધારો કરવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લામાં વન વિભાગ દ્વારા આંબરડી સફારી પાર્કમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સિંહદર્શન તેમજ ચિંકારા, હરણ, ઝરખ, દીપડો સહિત વન્ય પ્રાણીઓ રાખવામાં આવ્યા છે. ત્યારે ધારી ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલા દ્વારા આંબરડી સફારી પાર્કમાં વધુ એક સુવિધાઓ પર્યટકો અને મુલાકાત તેઓ માટે કરવામાં આવી છે. જેમાં બગીચાને પરાગવાહક પાર્ક કહેવા માટે તે પ્રદેશમાં હાજર વિવિધ પ્રકારના તમામ પરાગવાહકોની જરૂરિયાતો સંતોષાવી જોઈએ જેમાં પતંગિયા, મધમાખી, ચામાચીડિયા, ફૂદાં, પક્ષીઓ, માખીઓ, ભમરા, ભમરી વગેરે સમાવિષ્ટ છે.
આ માટે વૈવિધ્યસભર સ્થાનિક વનસ્પતિઓ અને મધુરસથી સમૃદ્ધ ફૂલ-છોડનો ઉછેર પણ કરવામાં આવ્યો છે અને વિવિધ પ્રજાતિની ભમરીઓ માટે સલામત માળો બનાવવાની જગ્યાઓ પૂરી પાડવા માટે એક મધમાખી હોટલ પણ બનાવવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટની કલ્પના અને અમલીકરણ ગીર પૂર્વ વિભાગ ધારી, ગુજરાત વન વિભાગ દ્વારા ધ ઇકોસ્કેપર્સ (ધૈવત હાથી અને શિવમ ભટ્ટ) સાથે મળીને કરવામાં આવ્યા હતા.