November 24, 2024

અમિત શાહની CAA અંગે મોટી જાહેરાત, લોકસભા ચૂંટણી પહેલાં…

amit shah says caa will be implemented before lok sabha elections 2024

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ - ફાઇલ તસવીર

Amit Shah on CAA: ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યુ છે કે, ચૂંટણી પહેલાં દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) લાગૂ કરવામાં આવશે. તેમણએ આ વાત ઇટી નાઉ ગ્લોબલ બિઝનેસ સમિટ દરમિયાન કહી છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ અને મે મહિનામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યુ કે, ‘હું ચોખ્ખેચોખ્ખું કહેવા માગુ છું કે સીએએ કોઈપણ વ્યક્તિની નાગરિકતા નહીં છીનવી લે. તેનો ઉદ્દેશ્ય માત્ર ધાર્મિક ઉત્પીડનનો સામનો કરી રહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને નાગરિકતા આપવાનો છે. આ વાયદો મૂળે તો કોંગ્રેસે જ કર્યો હતો.’

તેમણે વિપક્ષ પર મુસલમાનોને ગેરરસ્તે દોરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યુ હતુ કે, ‘અમારા મુસ્લિમ ભાઈઓએ સીએએ મામલે ગેરરસ્તે દોરવામાં આવી રહ્યા છે અને ભડકાવવામાં આવી રહ્યા છે. સીએએ માત્ર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવા માટે છે.’

4 વર્ષ પહેલાં કાયદો બનીને તૈયાર
કેન્દ્રીય મેત્રી શાંતનુ ઠાકુરે દાવો કર્યો હતો કે, આગામી સાત દિવસમાં સીએએ લાગૂ કરી દેવામાં આવશે. આ વિધેયક ડિસેમ્બર 2019માં સંસદમાં પાસ થઈ ગયું હતું. ત્યારબાદ તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિધેયકને મંજૂરી આપીને કાયદો બનાવ્યો હતો. આ કાયદો બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ધાર્મિક અલ્પસંખ્યકોને નાગરિકતા આપવાની મંજૂરી આપે છે.

ઘણાં વિરોધ પ્રદર્શન થયા હતા
સીએએને લઈને સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. દિલ્હીના શાહીન બાગમાં મહિલાઓએ ધરણાં કર્યા હતા. ગયા વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો હતો કે, સીએએ લાગુ કરવાથી કોઈ નહીં રોકી શકે.

કાયદો લાગૂ થતાં શું બદલાઈ જશે?
આ કાયદા પ્રમાણે, ત્રણ પાડોશી દેશ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા ધાર્મિક અલ્પસંખ્યકોને નાગરિકતા આપવામાં આવશે. જે લોકો 2014 સુધી કોઈ હેરાનગતિના કારણોસર ભારત આવ્યા છે તેમને નાગરિકતા મળશે. તેમાં હિંદુ, શીખ, બોદ્ધ, જૈન, પારસી અને ઇસાઇ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, આ વિધેયક 2016માં જ લોકસભામાં પાસ થઈ ગયું હતું, પરંતુ રાજ્યસભામાં પાસ નહોતો થઈ શક્યો. ત્યારબાદ 2019માં ફરીથી પસાર કરવામાં આવ્યો હતો. 10 જાન્યુઆરી 2020માં રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હતી. ત્યારબાદ બે વર્ષ કોરોનાની મહામારી રહી હતી. આ કાયદા હેઠળ 9 રાજ્યોના 30થી વધુ ડીએમને પણ વિશેષ અધિકારો આપવામાં આવશે.