January 5, 2025

અમિત શાહે Pokનું નામ લીધા વિના કહ્યું- ‘આપણે જે ગુમાવ્યું તે ટૂંક સમયમાં પાછું મેળવીશું’

Amit Shah On Pok: કેન્દ્રીય ગૃહ મંત્રીએ આજે દિલ્હીમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખઃ હિસ્ટોરિકલ એકાઉન્ટ ઓફ કન્ટિન્યુટી એન્ડ કનેક્ટિવિટી નામના પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કલમ 370 અને આતંકવાદને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ સાથે અમિત શાહે ઈશારામાં Pokનું નામ લીધા વિના એમ પણ કહ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પણ ટૂંક સમયમાં ભારતનો ભાગ બનશે.

અમિત શાહે કહ્યું, ‘કાશ્મીરનું નામ ઋષિ ‘કશ્યપ’ કરવામાં આવી શકે છે. શંકરાચાર્યનો ઉલ્લેખ, સિલ્ક રૂટ, હેમિષ મઠથી સાબિત થાય છે કે, ભારતીય સંસ્કૃતિનો પાયો કાશ્મીરમાં જ નખાયો હતો. કાશ્મીરમાં સૂફી, બૌદ્ધ અને રોક મઠોનો ખૂબ જ સારી રીતે વિકાસ કર્યો.’ જો કે, કાશ્મીરનું નામ બદલવાની વાતથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.  “બ્રિટિશ કાળમાં લખાયેલા ઈતિહાસનું અર્થઘટન ખોટું હતું. સમગ્ર વિશ્વમાં ભારત એક એવો દેશ છે જે સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. જેઓ દેશને ભૌગોલિક રાજકીય દ્રષ્ટિકોણથી જુએ છે તેઓ આ દેશને સમજાવી શકતા નથી. ભારતને સમજવા માટે દેશને જોડતા તત્વોને સમજવું પડશે. કાશ્મીરમાં જે કલા, વાણિજ્ય અને સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી તે ધીરે ધીરે સમગ્ર ભારતમાં ફેલાઈ ગઈ. કાશ્મીર પહેલા પણ ભારતનું અભિન્ન અંગ હતું, આજે છે અને હંમેશા રહેશે.”

‘370એ આતંકવાદના બીજ વાવ્યા’
ગૃહમંત્રીએ કહ્યું, “મોદી સરકારે કલમ 370 નાબૂદ કરવાનું કામ કર્યું. આ 370ના આધારે જ કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદના બીજ રોપાયા હતા. 370 હટાવ્યા બાદ આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. ઘાટીમાંથી આતંકવાદની ઇકોસિસ્ટમનો નાશ કર્યો.”