November 26, 2024

અમિત શાહ PoKમાંથી એક સફરજન લાવીને દેખાડે: અધીર રંજન

Adhir Ranjan: દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આ સાથે ફરી પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લઈ ફરી રાજકારણ ગરમાયું છે. ગૃહમંત્રી અમિત શાહે એક વખત ફરી પીઓકેને ભારતનો અભિન્ન ભાગ કહ્યો છે. આ નિવેદન પર કોંગ્રેસે કેન્દ્ર સરકારને પડકાર કર્યો કે, અમિત શાહએ દાવો કર્યો કે POK હિન્દુસ્તાનમાં સામેલ થશે. હું તેમને પુછવા માંગુ છું કે તમે POKમાંથી એક સફરજન લાવીને દેખાડો. ચૂંટણીના સમયે લોકો મોટી મોટી વાતો કરે છે. હજી તો મોદીજી પણ મોટી મોટી વાતો કરશે, ચૂંટણી પ્રચારમાં લોકોને ભ્રમિત કરવાના કામ કરશે.

કાશ્મીરની સ્થિતિમાં આવેલા પરિવર્તન પર અમિત શાહે અનેક નિવેદનો આપ્યા છે. જેના પર કોંગ્રેસના નેતા પવન ખેડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ગૃહમંત્રીને પૂછો કે સ્થિતિમાં આટલો બધો સુધાર આવ્યો છે તો હજી સુધી કાશ્મીરમાં ચૂંટણી કેમ કરવામાં નથી આવી. ટીવી સ્ટુડિયોમાં બેસીને મોટા મોટા દાવા કરવા સરળ છે, પરંતુ જમીન પર શું સ્થિતિ છે એ અમે સારી રીતે જાણીએ છીએ. લદ્દાખમાં પણ સ્થિતિ વણસી રહી છે. સોનમ વાંગચુક છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ તેની વાત કોઈ નથી સાંભળતું.

અધીર રંજને શું કહ્યું?
અધીર રંજન ચૌધરીને પૂછવામાં આવ્યું કે, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, કાશ્મીરને જો કોઈ બચાવી શકે છે તો તે માત્ર પીએમ મોદી છે? તેના પર ચૌધરીએ કહ્યું કે, અમિત શાહે ગૃહમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને ભારતમાં સામેલ કરવામાં આવશે. મારે માત્ર એટલું જ પૂછવું છે કે શું અમિત શાહ અને તેમની સરકાર પીઓકેમાં ઝાડ પરથી સફરજન તોડીને ભારતમાં લાવવામાં સફળ થયા છે? ઓછામાં ઓછું સફરજનના ઝાડમાંથી એક સફરજન લાવો અને બતાવો. શું PoK આપણા નિયંત્રણમાં આવશે? ચૂંટણી વખતે મોટી મોટી વાતો કરવી ખૂબ જ સરળ છે. એટલા માટે તેઓ મોટી મોટી વાતો કહેતા રહેશે. આ કંઈ નથી. થોડી રાહ જુઓ. PM સાહેબને મેદાનમાં આવવા દો, કેટલા મોટા ભાષણો આપશે. લોકોને ગેરમાર્ગે દોરવા અને છેતરવાની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માત્ર તેમની શરૂઆત છે.

આ પણ વાંચો: PoK આપણું, ત્યાંના હિંદુ-મુસ્લિમ પણ આપણાં, પાકિસ્તાન અત્યાચારી દેશઃ અમિત શાહ

POK અંગે ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?
ગૃહમંત્રી અમિત શાહે POKને લઈને અલગ-અલગ મંચો અને સંસદમાં નિવેદનો આપ્યા છે. શાહ કહે છે કે, ભાજપ અને સમગ્ર સંસદ માને છે કે પીઓકે ભારતનો અભિન્ન અંગ છે. મુસ્લિમ ભાઈઓ પણ ભારતીય છે અને પીઓકેમાં રહેતા હિન્દુ ભાઈઓ પણ ભારતીય છે. પાકિસ્તાને જે જમીન પર ગેરકાયદે કબજો કર્યો છે તે પણ ભારતની છે. તેને પાછું મેળવવું એ દરેક ભારતીય અને દરેક કાશ્મીરીનું લક્ષ્ય છે. શાહે સંકેત આપ્યા હતા કે તે પોતાના સમયમાં પાછી ખેંચી લેવામાં આવશે. આ માટે લાંબી પ્રક્રિયા છે. જ્યારે કલમ 370 હટાવવામાં આવી ત્યારે પણ ગૃહમંત્રીએ પીઓકેને લઈને સંસદમાં નિવેદન આપ્યું હતું.

શાહે વધુમાં કહ્યું કે, જે લોકો ઈસ્લામ વિશે વાત કરે છે તેમણે જાણવું જોઈએ કે મૃત્યુ પામેલા લોકોમાંથી 85 ટકા આપણા મુસ્લિમ ભાઈ-બહેનો હતા. શાહે જમ્મુ-કાશ્મીરના યુવાનોને પાકિસ્તાનના ષડયંત્રથી દૂર રહેવા પણ કહ્યું હતું. તેમણે કહ્યું કે, આજે પાકિસ્તાન ભૂખમરો અને ગરીબીથી ઘેરાયેલું છે અને ત્યાંના લોકો પણ કાશ્મીરને સ્વર્ગ તરીકે જુએ છે. હું બધાને કહેવા માંગુ છું કે કાશ્મીરને જો કોઈ બચાવી શકે છે તો તે વડાપ્રધાન મોદી છે. ગૃહમંત્રીએ કહ્યું કે મોદી સરકાર શહીદોના પરિવારોને નોકરી આપીને સુરક્ષા દળોનું મનોબળ વધારી રહી છે. તેમણે કહ્યું કે, આજે એક પણ શહીદનો પરિવાર નોકરી વગર રહ્યો નથી.

અધીર રંજન આ પહેલા પણ નિવેદન આપી ચૂક્યા છે
અધીર રંજન ચૌધરીએ પણ 7 ડિસેમ્બર 2023ના રોજ નિવેદન આપ્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને ભારતના બહાદુર માણસો કહીને ટોણો માર્યા હતા. ચૌધરીએ કહ્યું હતું કે, PoKમાંથી એક સફરજન લાવો અને બતાવો. જો તમારામાં હિંમત હોય તો 2024ની ચૂંટણી પહેલા PoK છીનવી લો. સમગ્ર દેશના મત ભાજપને મળશે. ચૌધરીએ કહ્યું, ઓછામાં ઓછું PoKમાંથી એક સફરજન લાવો અને બતાવો અને કહો કે હા, અમે કરી લીધું છે. PoKની છાતી ફાડીને ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. મોદીજી અને અમિત શાહ આ મુદ્દે મૌન કેમ છે? તમે G-7, G-20, શાંઘાઈ સમિટમાં જાઓ છો, પ્રયાસો કેમ નથી થઈ રહ્યા? PoK છીનવીને બતાવો. જે કામ કોંગ્રેસ ના કરી શકી તે કરો. ત્યાંથી ઓછામાં ઓછું એક સફરજન લાવો. લોકો અહીં બહાદુરીના મહાન કાર્યો કરે છે. લદ્દાખમાં અતિક્રમણ થયું છે. ગલવાનની ઘટના બધા જાણે છે.