July 2, 2024

વિકાસની વાતો વચ્ચે ડાંગનું આહવા પ્રાથમિક સુવિધાઓનો અભાવ

શેખર ખેરનર, ડાંગ: એક તરફ સરકાર વિકાસ ગામે ગામ પહોંચ્યો હોવાના બણગા ફૂંકી રહી છે. પરંતુ આદિવાસી જિલ્લા ગણાતા ડાંગમાં આજે પણ લોકો વિકાસ ઝંખી રહ્યા છે. ડાંગ જિલ્લાના ગામડા તો દૂર પરંતુ જિલ્લાનું મુખ્ય મથક ગણાતા આહવાના નગરજનો આજે પણ પાયાની સુવિધાથી વંચિત રહેવા પામ્યા છે. ભરપૂર વનસંપત્તિ ધરાવતા ડાંગ જિલ્લાના આહવામાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકો પારાવાર તકલીફ વેઠી રહ્યા છે.

આહવા નગરમાં જિલ્લા ભરમાંથી લોકો કામ અર્થે વહેલી સવારના આવી જતા હોય છે. પરંતુ આહવા નગરમાં તો સમસ્યાની અનેક ભરમાળ જોવા મળે છે. આહવા નગરમાં નળ કનેક્શન તો આપવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા એક મહિનાથી આ નળમાં પાણી આવતું નથી. સાથે જ ગટરની સમસ્યા તો આંખે ઊડીને વળગે એમ છે. ગટર તો કરવામાં આવી છે, પરંતુ પાણી જાહેર રસ્તે વહેતું હોવાથી સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે. તો સ્ટ્રીટ લાઈટની પણ કોઈ વ્યવસ્થા ન કરતા હવે સ્થાનિકોનો રોષ આસમાને જોવા મળી રહ્યો છે. ત્યારે આહવા નગરમાં પાણી માટે જીવાદોરી સમાન એક માત્ર તળાવ આવેલ છે. જે હાલના સમયમાં સુકાઈ જવા પામ્યું છે. તેમાં જળકુંભીનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. આ તળાવ સુકાઈ જવાથી આહવા ગામમાં પાણીના તળ ખુબ ઊંડા ગયા છે. તેમજ મૂંગા પશુ પક્ષીઓને પણ પાણીની હાલાકી વેઠવી પડે છે.

ભૂતકાળમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સુજલામ સુફલામ યોજના હેઠળ આ તળાવમાંથી જળકુંભી કાઢવાની યોજનાનો શુભારંભ થયો હતો. જેમાં મુખ્યમંત્રીએ પણ બોટમાં બેસી જળકુંભી કાઢી કામની શરૂઆત કરાવેલ હતી. પાછલા એક બે વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમૃત સરોવર યોજના નામે હજી વધારાની ગ્રાન્ટ તળાવ ઊંડું કરવા, માટી કાઢવા અને જળકુંભી કાઢવા વાપરવામાં આવી છે, છતાં તંત્રની ઉદાસીનતાના લીધે આજે આહવાના જીવાદોરી સમાન એકમાત્ર તળાવની અત્યંત દયનિય હાલત થઈ ગઈ છે.

ત્યારે આ તમામ સમસ્યાને લઇ આહવા નગરના આગેવાન અને જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દ્વારા પંચાયતના સરપંચ, સભ્યો તેમજ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યોને લેખિતમાં જાણ કરી રજૂઆત પણ કરવામાં આવી છે. આ અંગે ગામના સરપંચ જવાબદારીમાંથી છટકીને કલેકટર સમક્ષ ઠરાવ કરેલ છે. સુજલામ સુફલામ યોજના તેમજ નરેગામાંથી કામ કરેલ છે અને તળાવ કલેક્ટરની અંદરમાં આવતું હોવાનું જણાવી રહ્યા છે.