અમેરિકામાં હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ, 6 લોકોનાં મોત

America Helicopter Crash: અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં એક હેલિકોપ્ટર ક્રેશની ઘટના બની છે. હડસન નદીમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં સ્પેનિશ પ્રવાસી પરિવારના છ સભ્યોનાં મોત નીપજ્યા છે. આ મામલે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે મેનહટ્ટન નજીક હેલિકોપ્ટર નદીમાં ક્રેશ થયું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, મેનહટ્ટન અને ન્યુ જર્સી કિનારા વચ્ચે હડસન નદીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં ત્રણ બાળકો સહિત સ્પેનિશ પ્રવાસીઓનો એક પરિવાર ભોગ બન્યો હતો. ન્યૂ યોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર બપોરે લગભગ 3 વાગ્યે હેલિપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને દુર્ઘટના પછી મૃતદેહો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
આ દરમિયાન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં વિમાન પાણીમાં પડતું દેખાઈ આવે છે. ફાયર વિભાગે આ અંગે જણાવ્યું હતું કે, બચાવ કામગીરી હાથ ધરવા માટે ઘણી બચાવ બોટ ઘટનાસ્થળે હાજર હતી. વીડિયોમાં વિમાનની આસપાસ અનેક બચાવ બોટ ફરતી જોવા મળી હતી.
પ્રત્યક્ષદર્શીઓએ માહિતી આપી
આ ઉપરાંત પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટરના હવામાં જ ટુકડાં થઈ ગયા હતા. તેની પૂંછડી અને પ્રોપેલર અલગ થઈ ગયા હતા. બીજા એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, હેલિકોપ્ટર નિયંત્રણ બહાર પડ્યું હતું અને તેમાંથી ઘણો ધુમાડો નીકળી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને હેલિકોપ્ટરને બેલ 206 હોવાની માહિતી આપી છે. આ એક વાણિજ્યિક અને સરકારી ઉડ્ડયનમાં વપરાતું એક સામાન્ય મોડેલ છે.