અમેરિકાની ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબાર, 2નાં મોત; આરોપીની ધરપકડ

America Florida University Shooting: અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. ત્યારે આ વખતે ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવી છે. આ ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને છ જેટલા લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
20 વર્ષના યુવકે ગોળીબાર કર્યો
ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર કરનારા વ્યક્તિની ઓળખ ફિનિક્સ એકનર તરીકે થઈ છે. તેની ઉંમર 20 વર્ષ છે. મળતી માહિતી પ્રમાણે, આ યુવાનના પિતા પોલીસમાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઇકનરે ગોળીબાર કરવા માટે તેની માતાની બંદૂકનો ઉપયોગ કર્યો હતો. પોલીસે ફાયરિંગમાં વપરાયેલ હથિયાર પણ જપ્ત કર્યું છે. આ ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, ‘આ એક ભયાનક ઘટના છે, આવી ઘટનાઓ બને તે દુઃખદ છે.’
… અચાનક એલાર્મ વાગ્યો
ગોળીબારની ઘટના બાદ યુનિવર્સિટી કેમ્પસમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક લોકો અસ્વસ્થ અને ભાવુક દેખાતા હતા. એક વ્યક્તિએ કહ્યું કે, ગોળીબાર દરમિયાન તે લાઇબ્રેરીમાં હતો. આ સમયે એલાર્મ વાગવા લાગ્યું હતું. એલાર્મ વાગવાનો અર્થ એ હતો કે યુનિવર્સિટીમાં એક સક્રિય શૂટર હતો.
વર્ગો અને કાર્યક્રમો રદ કરાયા
યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટના બાદ વર્ગો અને કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી પ્રશાસન સાથે સંકળાયેલા લોકોએ કહ્યું કે, લોકોએ આ વિસ્તારથી દૂર રહેવું જોઈએ. કટોકટી સહાયની જરૂર હોય તેવા લોકોને 911 પર કૉલ કરવા અથવા ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી પોલીસ વિભાગનો સંપર્ક કરવાની સૂચના આપવામાં આવી છે.