December 22, 2024

અંબાલાલ પટેલની આગાહી, અમદાવાદમાં આજથી ગાજવીજ સાથે વરસાદનું થશે આગમન

મલ્હાર વોરા, ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસું બેસી ગયુ છે અને છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યાં જ 19 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. બીજી તરફ 4 તાલુકામાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. કોડીનાર , ગોંડલ, જૂનાગઢ, દાંતામાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 27 થી 30 જૂન સુધી વરસાદ પડશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, અમદાવાદમાં 27થી 30 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આજથી જ અમદાવાદના હવામાનમાં પલટો આવશે અને વરસાદ પડશે. ત્યાં જ જૂનાગઢના ભાગોમાં 27 થી 30 જૂન દરમિયાન અતિભારે વરસાદની શક્યતા છે સાથે જ જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદથી પૂર આવી શકે છે.

આ પણ વાંચો: જામનગરના નાપાણીયા ખીજડીયામાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ બાદ પૂરની સ્થિતિ

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે, ત્યાં જ જામનગર દ્વારકા, પોરબંદર અને ઓખાના ભાગોમાં વરસાદ પડશે તો કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. કચ્છ અને સુઈગામના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

પાલનપુર, કાંકરેજ, રાધનપુર, થરાદ, વાવ, દાંતા ભાગોમાં વરસાદ પડી શકે છે. મહેસાણા, ચાણસ્મા, સમી, ઉંઝા, સિદ્ધપુર, વડનગરમાં વરસાદ પડી શકે છે. તો અહીંના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને જળાશયોમાં પાણીની આવક વધી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, જુલાઈમાં પણ ભારે વરસાદની આગાહી છે. જૂલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. જેમાં આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેના કારણે નદીઓનું જળસ્તર વધી શકે છે. ત્યાં જ ભારે વરસાદના કારણે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે. બીજી તરફ 8 થી 12 જૂલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થતા પૂરની સ્થિતિ બની શકે છે. જોકે આ દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાવણી લાયક વરસાદ નથી.