અંબાલાલ પટેલની આગાહી – આગામી દિવસોમાં વધુ આકરી ગરમી પડશે

ગાંધીનગરઃ રાજ્યમાં ઉનાળો બરાબર જામી ગયો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યુ છે કે, આગામી દિવસોમાં હજુ વધારે આકરી ગરમી પડે તેવી શક્યતા છે.

તેમણે આગાહી કરતા જણાવ્યુ છે કે, મધ્ય ગુજરાતના ભાગોમાં 44 ડિગ્રી ગરમીનો પારો જોવા મળશે. ઉત્તર ગુજરાત, પંચમહાલ સહિત મહીસાગરના ભાગોમાં 43 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે. તો કચ્છના ભાગોમાં 42થી 43 ડિગ્રી ગરમીનો પારો જોવા મળશે. આ ઉપરાંત ભુજમાં સૌથી વધુ આકરી ગરમી પડી શકે છે. આ સિવાય રાજકોટના ભાગોમાં પણ 43 ડિગ્રી ગરમીનો પારો જોવા મળી શકે. સુરેન્દ્રગરના હળવદ, મોરબી જેવા ભાગોમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. જૂનાગઢ અને અમરેલીમાં ગરમીનો પારો 43 ડિગ્રી ઉપર જઈ શકે છે.

દક્ષિણ ગુજરાતમાં તાપી, નર્મદાના ભાગોમાં લોકોને ગરમીનો અહેસાસ થશે. આ માસના અંતથી મે માસના આરંભમાં વાતાવરણમાં પલટો આવશે. મે માસની શરૂઆતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ઉત્તર ગુજરાત, કચ્છ, પંચમહાલ, મધ્ય ગુજરાતના ભાગોમાં પલટો આવીને વરસાદ ગાજવીજ સાથે થઈ શકે છે. પ્રિમોન્સૂન એક્ટિવિટી મુજબ 25 મેથી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં પણ હલચલ જોવા મળે છે.

તેઓ કહે છે કે, આ ઉપરાંત અરબી સમુદ્રમાં ચક્રવાત પણ આ સમયગાળા દરમિયાન જોવા મળી શકે. બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની સંભાવના રહે. 10મી મે બાદ ભારે આંધી-વંટોળ સાથે ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદી છાંટા પડે તેવી શક્યતા છે. જ્યારે આંધીનું પ્રમાણ ભારે જોવા મળશે. દરિયાકિનારાના ભાગોમાં પણ પલટો આવી શકે છે. દક્ષિણાવર્તી હોવાથી ઉત્તર ભારત સહિત રાજ્યના હવામાન ભાગોમાં પલટો આવી શકે છે.