એપ્રિલ કરતાં મે મહિનામાં વધુ ગરમી પડશે, પારો 45 ડિગ્રીથી ઉપર જશેઃ અંબાલાલ પટેલ

ગાંધીનગરઃ ગરમીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. એપ્રિલ માસ કરતાં મે મહિનામાં ગરમીનો પારો ઉંચો રહેશે. આ મહિને રાજ્યના નાગરિકોને હાલ ગરમીમાંથી કોઈપણ પ્રકારની રાહત નહીં મળે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મે માસમાં ગરમીનો પારો 45 ડિગ્રીની ઉપર જઈ શકે છે. આંધી-વંટોળ સાથે લૂ લાગી શકે છે. 5 એપ્રિલથી 12 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ જોવા મળશે. ઉત્તર ગુજરાત, પંચમહાલના ભાગો, કચ્છના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગ ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ જોવા મળશે.

દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમીનો પારો 38 ડિગ્રી જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ જોવા મળશે. 12થી 14 એપ્રિલમાં હવામાનમાં પલટો આવશે. પવનના જોર સાથે ધૂળની ડમરીઓ ઉડે તેવી શક્યતા છે. 15 એપ્રિલથી 20 એપ્રિલ સુધીમાં હવામાનમાં ફરીવાર પલટો આવશે.

રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ થવાની શકયતા છે. જેમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે. 26 એપ્રિલ બાદ આકરી ગરમી પડશે. જેમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચશે. 13 અને 14 એપ્રિલ સુધીમાં દેશના ઘણા ભાગોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. જેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. રાજ્યના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

ચોમાસું આ વખતે 10 મેથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડું બનશે. ગુજરાતમાં 25 મેથી 4 જૂન વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદ થશે. સમયવાહી પ્રવાહને લીધે ગુજરાતમાં વરસાદ વહેલો આવી શકે છે. અરબ સાગરમાં 10 મેથી 15 જૂન વચ્ચે ચકવાત સર્જાશે. ચક્રવાતની અસર દેશના પશ્ચિમ ભાગો સહિત સૌરાષ્ટ્રમાં રહેશે.