November 24, 2024

ડિપ ડિપ્રેશનને કારણે સમુદ્ર તોફાની બનશે, ઉત્તર ગુજરાતને ધમરોળશેઃ અંબાલાલ

ગાંધીનગરઃ છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. તેમણે કહ્યુ છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળશે.

તેમણે વરસાદની આગાહી કરતા જણાવ્યુ છે કે, ‘ડિપ ડિપ્રેશનને કારણે સમુદ્ર તોફાની બનશે. 75થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આગામી 2થી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદનો યોગ છે. સપ્ટેમ્બર માસમાં પૂર્વીય ગુજરાતમાં વરસાદ થશે. જેમાં પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદના ઝાપટાં રહેશે.’

આ ઉપરાંત તેમણે જણાવ્યુ છે કે, ‘અંબાજી અને દાંતાના ડુંગરોમાં પણ વરસાદના ઝાપટાં પડવાની શક્યતા છે. રાજ્યમાં આગામી ભાદરવી પૂનમ સુધી વરસાદી ઝાપટાં પડી શકે છે. 23 સપ્ટેમ્બર બાદ ભારે વરસાદ અને ભારે ઝાપટાં પડવાની શક્યતા છે. કચ્છ બાજુ બેનલ સિસ્ટમ 30 ઓગસ્ટ દરિયામાં જતા તોફાન સર્જાશે.’

તેમણે કહ્યુ છે કે, ‘જ્યારે કૃષિ પાકમાં રોગ આવવાની શકયતા પણ છે. વરસાદ જ્યાં વધારે છે, જ્યાં પાણીનો નિકાલ થયો છે, ત્યાં ઉભા કૃષિના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે. તો મગફળી જેવા પાકોમાં મુંડા પડવાની શક્યતાઓ છે. કૃષિ પાકોમાં લશ્કરી ઈયળ અને કાબરી ઈયળ પડશે તેવી શક્યતાઓ રહેલી છે.’