અલ્લુ અર્જુનને વધુ એક નોટિસ, આવતીકાલે પૂછપરછ માટે હાજર થવા આદેશ
હૈદરાબાદઃ પોલીસે સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અભિનેતા અલ્લુ અર્જુનને વધુ એક નોટિસ પાઠવી છે. સૂત્રોએ જણાવ્યું છે કે, નોટિસમાં અલ્લુ અર્જુનને ઘટનાના સંબંધમાં આવતીકાલે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. ચિક્કડપલ્લી પોલીસે આ નોટિસ અભિનેતાની કાનૂની ટીમને આપી છે.
4 ડિસેમ્બરના રોજ હૈદરાબાદના સિનેમા હોલમાં નાસભાગ જેવી પરિસ્થિતિ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને તેનો આઠ વર્ષનો પુત્ર ઘાયલ થયો હતો, જ્યારે અભિનેતાની તાજેતરની રિલીઝના પ્રીમિયરમાં હજારો ચાહકો તેની આસપાસ એકઠા થયા હતા. ‘પુષ્પા 2: ધ રૂલ’ના પ્રિમિયરમાં તેમની એક ઝલક મેળવવા માટે લોકોએ પડાપડી કરી હતી.
આ ઘટના પછી પોલીસે અભિનેતા, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ કેસ પછી અભિનેતાની 13 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તે જ દિવસે તેને તેલંગાણા હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા. આ પછી 14 ડિસેમ્બરે સવારે તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.