September 19, 2024

ગુજરાતમાં એલર્ટ તો દિલ્હીમાં ચેતવણી… હિમાચલમાં આફતનો વરસાદ, અનેક જગ્યાએ એલર્ટ

Delhi: દેશભરમાં વરસાદી માહોલ છે ત્યારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશથી લઈને ઉત્તરાખંડ સુધીના તમામ પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતથી રાજસ્થાન સુધી વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ બંને રાજ્યોમાં મોટા વિસ્તારો પૂરમાં ડૂબી ગયા છે. ગુજરાતમાં આ પૂર અને વરસાદને કારણે સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

આજે દિલ્હી NCR સહિત અન્ય ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હી અને NCRમાં વરસાદ પડી શકે છે. આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે. મધ્યમ વરસાદ પણ શક્ય છે. દિલ્હીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 23 દિવસ સુધી વરસાદ પડ્યો છે અને તે છેલ્લા 14 વર્ષમાં સૌથી વધુ વરસાદ છે. આ પહેલા વર્ષ 2012માં દિલ્હીમાં સૌથી વધુ 22 દિવસ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે પશ્ચિમ રાજસ્થાન અને આંદામાન નિકોબાર ટાપુઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હિમાચલ પ્રદેશમાં બે દિવસનું યલો એલર્ટ
એ જ રીતે જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારો ઉપરાંત હિમાચલ પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળમાં પણ આજે ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગુરુવારે પશ્ચિમ રાજસ્થાન, કેરળ અને ઓડિશા સહિત 10 રાજ્યોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે 126 રસ્તાઓ બંધ થઈ ગયા છે. પરિસ્થિતિને જોતા હવામાન વિભાગે અહીં પણ બે દિવસનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

અત્યાર સુધીમાં 144 લોકોના મોત થયા છે
રાજ્યમાં વરસાદને કારણે પહેલાથી જ 41 રસ્તાઓ બંધ થઈ ગયા હતા. મંગળવારે વરસાદને કારણે અન્ય 85 રસ્તાઓ પર પણ વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. રાજધાની શિમલામાં જ અનેક રસ્તાઓ પર વૃક્ષો પડવાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં 591.8 મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચોમાસાના આગમનથી અત્યાર સુધીમાં 144 લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 1217 કરોડથી વધુનું નુકસાન થયું છે. બીજી તરફ રાજસ્થાનમાં પણ સતત વરસાદ ચાલુ છે..

આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખંભાળિયામાં 18 ઇંચથી વધુ

રાજસ્થાનમાં પણ પૂર અને વરસાદનું એલર્ટ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી બે-ત્રણ દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહી શકે છે. છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ રાજસ્થાનમાં ઘણી જગ્યાએ સારો વરસાદ થયો હતો. આ દરમિયાન જયપુર, ઉદયપુર, બાંસવાડા અને ડુંગરપુર જીલ્લા સિવાય પણ ભારે વરસાદ થયો છે. ભરતપુર, જયપુર, અજમેર, કોટા અને બિકાનેરમાં આજે સારો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતની સરહદે આવેલા વિસ્તારોમાં પણ પૂરનો ભય છે.

યુપી બિહારમાં મધ્યમ વરસાદ
ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ આગામી બે દિવસ સારા વરસાદના સંકેતો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ અને બિહારમાં છેલ્લા બે દિવસથી હળવોથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. અનેક જગ્યાએ મુશળધાર વરસાદ પણ પડ્યો છે. આ બંને રાજ્યોમાં આગામી બે-ત્રણ દિવસ સુધી આવી જ વરસાદી સિઝન ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન તાપમાન પણ સામાન્ય આસપાસ રહેવાની શક્યતા છે. જોકે, પહાડી રાજ્યોમાં વરસાદને કારણે આ બંને રાજ્યોમાં પૂરનો ભય છે.