પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે Air Indiaએ ઈઝરાયલની ફ્લાઈટ સેવાઓ બંધ કરી
Air India Suspended Flights: ઈરાનમાં હમાસના ટોચના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમા પર છે. ઈરાને હાનિયાના મોતનો બદલો લેવા ઈઝરાયેલ પર હુમલો કરવાની ધમકી આપી છે. જેને લઇને ઈઝરાયેલ હાઈ એલર્ટ પર છે. આ સ્થિતિને જોતા ભારતીય એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાએ ભારત અને ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ વચ્ચે ફ્લાઈટ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ANNOUNCEMENT
In view of the ongoing situation in parts of the Middle East, we have suspended scheduled operation of our flights to and from Tel Aviv with immediate effect up to and including 08 August 2024. We are continuously monitoring the situation and are extending support…
— Air India (@airindia) August 2, 2024
એર ઈન્ડિયાએ 8મી ઓગસ્ટ સુધી સેવાઓ સ્થગિત કરી
એર ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘પશ્ચિમ એશિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે તેલ અવીવ માટે તાત્કાલિક અસરથી પ્રસ્તાવિત ઓપરેશનને રોકવાનો નિર્ણય લીધો છે. તેલ અવીવથી આવતી અને અહીંથી તેલ અવીવ જતી ઉડ્ડયન સેવાઓ હાલમાં 8 ઓગસ્ટ, 2024 સુધી બંધ છે. અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, ‘જે મુસાફરોએ આ સમયગાળા દરમિયાન તેમની ટિકિટ બુક કરાવી છે, જો તેઓ ફરીથી ટિકિટ બુક કરશે તો તેમને એક વખતનું ડિસ્કાઉન્ટ અને કેન્સલેશન ચાર્જમાંથી રાહત આપવામાં આવશે. અમારા મુસાફરોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. વધુ માહિતી માટે તમે અમને 011-69329333 / 011-69329999 પર કૉલ કરી શકો છો.
ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમા પર
ઉલ્લેખનીય છે કે બુધવારે ઈરાનમાં હમાસના ટોચના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરવામાં આવી હતી. હમાસે આ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું. તે જ સમયે ઈરાને ઈઝરાયેલને હુમલાની ધમકી પણ આપી હતી. જેના જવાબમાં ઈઝરાયેલે પણ કહ્યું છે કે તે ઈરાનને જડબાતોડ જવાબ આપશે. ઇસ્માઇલ હાનિયાના મૃત્યુના એક દિવસ પહેલા, લેબનોનના બેરૂતમાં ઇઝરાયલી હુમલામાં હિઝબુલ્લાના ટોચના કમાન્ડર માર્યા ગયા હતા. જેના પર હિઝબુલ્લાહે ઈઝરાયેલને બદલો લેવાની ધમકી પણ આપી છે. હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર રોકેટ હુમલા પણ શરૂ કરી દીધા છે.
ઈઝરાયલ-હમાસ યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં પહેલાથી જ તણાવ વધી ગયો છે, પરંતુ હવે તાજા ઘટનાક્રમને કારણે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે અને એવી આશંકા છે કે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ હવે સમગ્ર પશ્ચિમ એશિયામાં ફેલાઈ શકે છે. અમેરિકાએ એ પણ જાહેરાત કરી છે કે જો ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરશે તો તે ઈઝરાયેલને બચાવવા માટે શક્ય તમામ મદદ કરશે. આ જ કારણ છે કે એર ઈન્ડિયાએ સાવચેતીના પગલા રૂપે હાલમાં તેલ અવીવ માટે ફ્લાઈટ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.