October 1, 2024

શિક્ષક છે કે શૈતાન? અમદાવાદમાં શિક્ષકે વિદ્યાર્થીનું માથું ભીંતમાં પછાડીને ઉપરાછાપરી 11 લાફા ઝીંક્યાં

અમદાવાદઃ વાલીઓ સારું શિક્ષણ મળી રહે તે માટે બાળકને સારામાં સારી શાળામાં ભણવા માટે મોકલે છે. ત્યારે ઘણીવાર આ શાળા જ એવા કિસ્સા સામે આવે છે કે જેનાથી વાલીઓ હેબતાઈ જાય છે અને બાળકોને શાળાએ મોકલવામાં ખચકાય છે. શિક્ષક વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારનું સિંચન કરતા હોય છે, તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા હોય છે, પરંતુ અમદાવાદની એક ખાનગી શાળાના શિક્ષકનો હેવાનિયતભર્યો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં શિક્ષક રાક્ષક બનીને વિદ્યાર્થીને બેરહેમીપૂર્વક માર મારતા નજરે ચડે છે.

મળતી માહિતી પ્રમાણે, આ વીડિયો વટવા વિસ્તારમાં આવેલી માધવ પબ્લિક હાઇસ્કૂલનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, શિક્ષક વિદ્યાર્થીને પહેલા બેન્ચ પરથી પકડીને આગળ લાવે છે અને પછી તેનું માથું દીવાલમાં પછાડે છે. ત્યારબાદ ઉપરાછાપરી સટાસટ 11 લાફા ઝીંકે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વટવાની શાળામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનાના પડઘાં રાજ્યસ્તરે પડ્યાં છે. શિક્ષણ મંત્રીએ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ઘટના અંગે રિપોર્ટ માગ્યો છે. DEOની ટીમ માધવ પબ્લિક સ્કૂલની મુલાકાત લઈ સંચાલકોને મળ્યા હતા. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે નિવેદન આપ્યું છે કે, ‘વિદ્યાર્થીને બેરહેમીપૂર્વક માર મારવાની ઘટના શર્મનાક છે. માધવ પબ્લિક સ્કૂલને રિપોર્ટ રજૂ કરવા જણાવાયું છે.’

આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ શિક્ષણમંત્રીએ પણ પૂછપરછ કરી છે. વિદ્યાર્થીને શારીરિક-માનસિક સજા ના કરવી એવો શિક્ષણ મંત્રાલયનો પરિપત્ર છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે પ્રેમપૂર્વક વર્તવા સૂચના આપી છે. શહેરની તમામ શાળાઓને વિદ્યાર્થીઓને શારીરિક સજા ના કરવા પરિપત્ર કરવામાં આવ્યો છે. તે છતાં આ પ્રકારની ઘટના સામે આવવી તે શરમજનક બાબત છે.