બાપ બન્યો હેવાન! વર્ષ સુધી બળાત્કાર ગુજારતા આખરે કંટાળીને દીકરીની પોલીસ ફરિયાદ
મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં ફરી એક વખત સગી દીકરી પર પિતાએ બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. માતા છોડીને જતી રહેતા હેવાન પિતાએ દીકરીનું શારીરિક શોષણ કર્યું. એક વર્ષથી માનસિક પીડાથી કંટાળીને સગીરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પિતાની ધરપકડ કરી છે.
કહેવાય છે કે. જ્યારે કોઈ સંતાનની માતા ન હોય ત્યારે તેના પિતા જ સંતાનો માટે સંપૂર્ણ માતા-પિતાની ભૂમિકા ભજવતો હોય છે. પરંતુ અમદાવાદમાં એક પિતાએ સગી દીકરી પર જ નજર બગાડી તેના પર બળાત્કાર ગુજાર્યો છે. શહેરના વટવા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતો પિતા તેના ત્રણ સંતાનો સાથે રહેતો હતો. જો કે, છેલ્લા આઠ વર્ષથી માતા ઘર છોડીને ચાલી ગઈ હોવાથી ત્રણેય સંતાનોનો ઉછેર પિતા દ્વારા જ કરવામાં આવતો હતો. પરંતુ છેલ્લા એક વર્ષથી પિતા દ્વારા તેની 15 વર્ષની મોટી દીકરી પર નજર બગાડવામાં આવતી હતી અને તેને મારી નાખવાની ધમકી આપી તેના પર બળાત્કાર ગુજારતો હતો. જો કે, નરાધમ બાપની આવી હરકતથી કંટાળીને દીકરી પોલીસને શરણે પહોંચી હતી અને દીકરીની ફરિયાદને આધારે પોલીસે પિતાની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ હિંદુ નામ ધારણ કરી લવજેહાદ, અનેકવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી કરી તરછોડી
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો છે અને છેલ્લા થોડા વર્ષોથી અમદાવાદના વટવા વિસ્તારમાં રહે છે. આરોપી પિતા કલરકામની છૂટક મજૂરી કરે છે. પોતાની સગીર દીકરીને અન્ય કોઈ યુવક સાથે મિત્રતા હોવાની અને તેની સાથે મોબાઈલ પર છૂપીને વાતચીત કરતી હોવાની જાણ તેના ભાઈએ પિતાને કરી હતી. જેથી પિતાએ આ તકનો લાભ ઉઠાવી દીકરીને ઠપકો આપવા કે સમજાવવાની જગ્યાએ તેના પર નજર બગાડી શારીરિક અડપલાં કરી બળાત્કાર ગુજાર્યો હતો. જો કે, દીકરીએ પણ તેના પિતાની હરકત પોતાના મિત્રને કહેતા આખરે પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. દીકરીની ફરિયાદને આધારે વટવા પોલીસે પિતા વિરૂદ્ધ પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી હેવાન પિતાની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.