ઉદ્ગમ સ્કૂલ ફરી વિવાદમાં, ક્લાસિસ સાથે ટાઇઅપ કરતા DEOએ નોટિસ ફટકારી

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ શહેરની જાણીતી ઉદ્ગમ સ્કૂલ દ્વારા કિસ્ટોન ક્લાસિસ સાથે ટાઇઅપ કર્યાનું સામે આવતા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાને નોટિસ ફટકારી છે. જેમાં શાળા સંચાલકે કિસ્ટોન ક્લાસિસ ખોટો હોવાનું અને તેણે સ્કૂલની પરવાનગી વિના જ ઉદ્ગમ સ્કૂલના નામનો ઉપયોગ કર્યો હોવાનું જણાવીને લુલો બચાવ કર્યો છે. આગામી બે દિવસમાં રૂબરૂમાં જવાબ આપવાની બાંહેધરી ડીઇઓને આપવામાં આવી છે.
ઉદ્ગમ સ્કૂલ દ્વારા શાળાના સમય દરમિયાન જ કિસ્ટોન ક્લાસ સાથે મળીને જેઇઇની તૈયારીઓ કરાવવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રકારનો મેસેજ તેમણે સોશિયલ મીડિયામાં ફરતો પણ કર્યો હતો. આ સમગ્ર બાબત સામે આવતા જ ઉદ્ગમ સ્કૂલે બચાવ કર્યો છે. તેણે કોઇપણ પ્રકારનું ટાઈઅપ શાળા સાથે કર્યું નથી અને કીસ્ટોન ક્લાસ દ્વારા તેની શાળાના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો જવાબ ડીઇઓ સમક્ષ રજૂ કર્યો હતો.
ડીઇઓને શાળાનો જવાબ સંતોષકારક ન લાગતા તેમણે વ્યવસ્થિત જવાબ રજૂ કરવા અને જો ખોટા નામનો ઉપયોગ કર્યો હોય તો તેની સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે મુજબનો જવાબ માગવામાં આવ્યો છે. જો યોગ્ય જવાબ રજૂ કરવામાં નહીં આવે તો શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે નિયમ મુજબ શાળાના સમય દરમિયાન કોઇપણ પ્રકારની ધંધાકીય પ્રવૃતિ થઈ શકે નહીં.