80 લાખના સોનાના પાવડર સાથે ત્રણ દાણચોરોની ધરપકડ, દુબઈ કનેક્શન સામે આવ્યું
મિહિર સોની, અમદાવાદઃ શહેરની ટ્રાફિક પોલીસની સતર્કતાથી દાણચોરી કરીને નાસી રહેલા આરોપીઓ ઝડપાયા હતા. પાવડર ફોર્મમાં સોનું દાણચોરી કરીને રાજસ્થાન તરફ જતા ત્રણ આરોપીઓને ઓઢવ પોલીસે ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન દુબઈનું કનેક્શન સામે આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઓઢવ પોલીસે આ મામલે શુભમ પેઠીવાલા, મોહમ્મદ ફરાજ, ગોપાલપુરી ભુવનેશ્વરસિંહ સોઢા છે. આ ત્રણે આરોપીઓ મૂળ રાજસ્થાનના છે, પરંતુ અમદાવાદના સોનીની ચાલી ચાર રસ્તા પાસેથી દિલ્હી પાસિંગની ક્રેટા ગાડી લઈને પસાર થતા હતા. તે વખતે અન્ય રાજ્યની ગાડી હોવાથી ટ્રાફિક પોલીસે વાહન રોકી તપાસ કરતા ગાડીમાંથી શંકાસ્પદ ફોર્મ મટિરિયલ પાવડર મળ્યો હતો. જેની પૂછપરછ કરતા ગભરાઈને ભાગવાનો પ્રયાસ કર્યો પણ પોલીસે તપાસ કરતા 80 લાખ રૂપિયાની કિંમતની સોનાનો પાવડર મળી આવ્યો હતો. જેથી ટ્રાફિક પોલીસે ગાડી મુદ્દામાલ અને આરોપીઓને ઓઢવ પોલીસને સોંપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસ દરમિયાન સોનાની દાણચોરી કરી દુબઈથી અમદાવાદમાં લાવી રાજસ્થાન મોકલવાનો હોવાનું સામે આવતા ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ દ્વારકામાં 21 કરોડનું ચરસ ઝડપાયું, એક વ્યક્તિની ધરપકડ
ઓઢવ પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે, આ કેસનો મુખ્ય આરોપી ધર્મા નામનો શખ્સ છે, જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. પરંતુ દુબઈમાં રહી સોનાની સ્મગલિંગ કરી રહ્યો છે. આ સાથે જ રાજેશ અને અન્ય એક વ્યક્તિ જે ઝડપાયેલા આરોપીઓને એરપોર્ટની નજીક સોનાનો પાવડર આપી ગયો હતો. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે, આરોપી ધર્મા તથા રાજેશ મોબાઈલ નંબરોનો ઉપયોગ કરે છે, તે મોબાઈલ નંબર દુબઈના છે. જેથી ઓઢવ પોલીસે એરપોર્ટ નજીક કઈ જગ્યાએથી સોનાનો પાવડર આરોપીઓને આપવામાં આવ્યો અને તે શખ્સ કોણ હતો તેની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ સુરતમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા, આરોપીની ધરપકડ
ઝડપાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછમાં પ્રથમ આરોપી મોહમ્મદ ફરાજ તેની આંખોની સારવાર માટે અમદાવાદ આવ્યો હોવાની હકીકત જણાવી રહ્યો હતો. પરંતુ તે અંગે કોઈ યોગ્ય હકીકત મળી આવી ન હતી. આ સાથે જ ઝડપાયેલા ત્રણેય આરોપી પ્રથમ વખત સોનું લેવા આવ્યા હોવાની કબૂલાત કરી રહ્યા છે. તો બીજી તરફ આ કેસના બે આરોપી અગાઉ સોનું લેવા માટે દિલ્હી પણ ગયા હતા. જો કે, સોનું ન આવતા તેઓ પરત ફર્યા હતા. તેથી પોલીસને શંકા છે કે દુબઈથી ગેરકાયદેસર સોનું લાવી મોટાપાયે રાજસ્થાનમાં તેનો વેપાર કરવામાં આવે છે.