July 4, 2024

100ની સ્પીડે કાર ચલાવી સગીરે અકસ્માત સર્જ્યો, 16 વર્ષીય સગીરાને અડફેટે લીધી

અમદાવાદઃ શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ફરીવાર તથ્યકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ છે. થલતેજ નજીક ફોર્ચ્યુનર કારચાલકે અકસ્માત કર્યો હતો. જેમાં 100ની પૂરપાટ ઝડપે ગાડી ચલાવતા એક સગીરાને અડફેટે લીધી હતી. જેમાં સગીરા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, થલતેજ નજીક ફોર્ચ્યુનર કારચાલકે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતની સીસીટીવી સામે આવ્યા છે. જેમાં એક સગીર સ્પીડમાં ગાડી ચલાવતો કેદ થયો છે. સીસીવીટી પ્રમાણે, સગીર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૂરપાટ ફોર્ચ્યુનર ચલાવી રહ્યો હતો.

આ પણ વાંચોઃ ગરમીથી ત્રાહિમામ્: હીટવેવની આગાહીને પગલે શાળામાં વેકેશન લંબાવવા રજૂઆત

પૂરપાટ ઝડપે કાર દોડાવી રહેલા સગીરે અકસ્માત સર્જી 16 વર્ષની સગીરાને અડફેટે લીધી હતી. ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ આ સગીરા જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. સગીરાના અકસ્માતને કારણે પરિવારે ગગન ગજાવતું આક્રંદ કર્યું હતું અને આ અકસ્માત માટે સગીરના માતા-પિતાને જવાબદાર ગણાવ્યા હતા. સગીરના પરિવારે અકસ્માત સર્જનાર સગીર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી છે અને તેમને વહેલી તકે ન્યાય મળે તે માટે માગણી કરી છે.

તથ્ય પટેલે 9 લોકોને કચડી નાંખ્યા હતા
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે 19મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં 9 લોકોને જીવતા કચડી નાંખ્યા હતા. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી નાંખ્યું હતું. મોડી રાત્રે બનેલી એક અકસ્તમાની ઘટનામાં લોકો ટોળો વળ્યા હતા અને પોલીસ તપાસ કરી રહી હતી. ત્યારે તથ્ય પટેલે 140 કિમી કરતાં વધુ ઝડપે જેગુઆર ચલાવી લોકોના ટોળાને કચડી નાંખ્યું હતું. જો કે, આ ઘટના બાદ તથ્યની કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી.