December 22, 2024

અમદાવાદ-સુરતની 11 આંગડિયા પેઢીમાં ITના દરોડા, 18 કરોડ રોકડા ઝડપાયા

Ahmedabad surat 11 angaliya pedhi it raid 18 crore seized

મિહિર સોની, અમદાવાદઃ CID ક્રાઈમે રાજ્યના અલગ અલગ શહેરોમાં આવેલી આંગડિયા પેઢીની ઓફિસોમાં દરોડા પાડ્યા હતા. બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ સીઆઈડીની ટીમે ઈન્કમટેક્ષ વિભાગને સાથે રાખીને અમદાવાદ અને સુરતની 11 જેટલી આંગડિયા પેઢીમાં સર્ચ કરતા તપાસના અંતે કુલ 18.55 કરોડ રોકડ રકમ મળી આવી હતી. આ સાથે જ 1 કરોડની કિંમતનું ગોલ્ડ અને 64 લાખની વિદેશી કરન્સી મળી આવી છે.

સીઆઈડી ક્રાઇમે થલતેજ વિસ્તારમાં થોડા સમય પહેલા સટ્ટાકાંડનો એક કેસ કર્યો હતો. તેના કરોડો રૂપિયાના હવાલા આંગડિયા પેઢીથી નાણાંકિય વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવતા એકસાથે આંગડિયા પેઢીમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી. જે આંગડિયા પેઢીમાં પી.એમ આંગડિયા પેઢી, એચ.એમ, આંગડિયા પેઢી, એન.આર આંગડિયા પેઢી, ઓલિવ ફોરેક્સ, પ્રાઇમ, વી. પટેલ, જે.ડી અને શ્રીજી આંગડિયા પેઢીમાં કરાયેલી તપાસના અંતે આ રકમ અને અન્ય વસ્તુઓ મળી આવી છે.

આ કેસમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા 10થી વધુ લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે. આ સાથે જ મળી આવેલા 66 મોબાઈલ પણ એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ઓનલાઈન ક્રિકેટ સ્ટ્ટામાં થતા નાણાંકિય વ્યવહારો અને ક્રિકેટ સટ્ટા અને ઓનલાઈન ગેમિંગના નામે થતા વ્યવહારોને લઈને આ તપાસ કરવામાં આવી છે. આ મામલે સીઆઈડી ક્રાઈમ દ્વારા કબ્જે કરેલો તમામ મુદ્દામાલ ઈન્કમટેક્ષ વિભાગને હવાલે કરી આગળની તપાસ આઈટીને સોંપવામાં આવી છે. ત્યારે જોવાનું રહ્યું કે, આઈટીની તપાસમાં કેવા ખુલાસાઓ થાય છે. આ સાથે જ મોબાઈલ સહિતના ઇલેક્ટ્રોનિક દસ્તાવેજમાં કોઈ બુકી કે હવલાની એન્ટ્રી મળે છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.