November 25, 2024

શાંતિ એશિયાટિક સ્કૂલે આગ લાગવાનું કબૂલ્યું, વાલીઓની લેખિતમાં માફી માગી

અમદાવાદઃ શેલા વિસ્તારની શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગની ઘટનાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે સ્કૂલે આ સમગ્ર ઘટનાને મોકડ્રિલ ગણાવી રહી હતી. પરંતુ આખરે સ્કૂલે આગના બનાવને સ્વીકારી લીધો છે.

સ્કૂલ સંચાલકોએ વાલીઓની લેખિતમાં માફી માગી છે. વાલીઓની માફી માગતો મેસેજ સ્કૂલની એપ્લિકેશનમાં અપલોડ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનાને સ્કૂલે મોકડ્રિલમાં ખપાવી હતી. ત્યારે હવે સંચાલકોએ MCBમાં ધુમાડા સાથે સ્પાર્ક થયો હોવાની વાત કબૂલી છે.

વાલીઓનો પુરાવા નાશ કરવાનો આક્ષેપ
વાલીઓએ કહ્યુ છે કે, બેઝમેન્ટમાં લાગેલી આગવાળા ક્લાસરૂમને તાત્કાલિક કલરકામ કરી દેવામાં આવ્યું છે. બેઝમેન્ટના અન્ય તમામ રૂમમાં સફેદ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે આગવાળ એકમાત્ર ક્લાસરૂમમાં કેસરી કલરનો રંગ કરવામાં આવ્યો છે. શાળા સંચાલકોએ આગની ઘટનાને છુપાવવા માટે રાતોરાત કલરકામ કરી નાંખ્યું છે. તેટલું જ નહીં, ઘટના છુપાવ્યા બાદ કલરકામ કરી પુરાવાઓનો નાશ કરવા માટે પણ પ્રયત્ન કર્યો હતો.

DEOએ કહ્યું – તપાસ બાદ કાર્યવાહી થશે
શાંતિ એશિયાટિક શાળામાં આગને લઈને DEO કૃપા ઝાએ જણાવ્યું હતું કે, ‘આજે ફાયર વિભાગ દ્વારા સમગ્ર સ્કૂલ કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવશે. કેમ્પસમાં ફાયર સેફ્ટીનું ઈન્સ્પેક્શન કરવામાં આવશે. જે જરૂરી સુવિધાઓ હોય છે તે છે કે નહીં તે અંગે પણ પૂરતી ચકાસણી કરવામાં આવશે. આગની દુર્ઘટના બની છતાં ઘટનાને સ્કૂલ પ્રશાસને મોકડ્રિલ ગણાવી હતી. જેને લઈ સ્કૂલ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાની પણ ચકાસણી કરવામાં આવશે. કારણ કે, બાળકની સુરક્ષા મહત્વની છે. આ મામલે આજે જ ફાયર સેફ્ટીની ચકાસણી કરશે. સાણંદ પ્રાંત અધિકારી અને ફાયર અધિકારીઓને બોલાવી ચકાસણી કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં સ્કૂલની બેદરકારી જણાઈ છે.’