July 4, 2024

શેરમાર્કેટમાં નફાની લાલચમાં CAએ કરોડો રૂપિયા ગુમાવ્યા, એક આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ શેરબજારના નફાની લાલચમાં નિવૃત્ત સીએ સાયબર ક્રાઇમનો શિકાર બન્યો છે. શેરમાર્કેટમાં રોકાણ કરવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ ઠગ ટોળકીના એક આરોપીની સાયબર ક્રાઇમ બ્રાન્ચે સુરતથી ધરપકડ કરી છે. આરોપીએ ઠગાઈ કરવા બેંક એકાઉન્ટ આપ્યું હતું.

શેર માર્કેટમાં સારો નફો કમાવવાની લાલચમાં એક નિવૃત્ત સીએએ 1.97 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. જેમાં સાયબર ક્રાઇમે આ કેસમાં સુરતથી આરોપી ફેનિલ ગોધાણીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ફેનિલના બેંક ખાતામાં ઠગાઇના 1.06 કરોડ રૂપિયા જમા થયા હતા. આ તપાસ કરતા સામે આવ્યું છે કે, બેંક એકાઉન્ટ મલેશિયા, દુબઈ અને અન્ય જગ્યાએથી ઓપરેટિંગ થતા હોવાનું સામે આવ્યું છે અને આ એક વેલ ઓર્ગેનાઈઝ ગેંગ હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ ઠગ ટોળકી દ્વારા વોટ્સએપમાં લોકોને સંપર્ક કરતા અને ઠગ ટોળકી દ્વારા stock Vanguard નામની કંપની બતાવી તેમના સંચાલક કર્ણવીર અને સુનીલ સિંઘાનિયાની ઓળખ આપી ફરિયાદી સાથે વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં આવતા હતા અને ત્યારબાદ તમને શેરની મોટી ટીપ આપવામાં આવશે, જેથી ફાયદો થશે, તેમ કહી એક ખોટી એપ્લિકેશન app.alicexa.comમાં આઈડી બનાવી તેમાં રોકાણ કરાવીને તમને 5 કરોડ મળશે. તેમ દર્શાવી જમા રૂપિયા પરત નહીં આપી અલગ અલગ ટેક્સના નામે છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. આવી જ રીતે એક નિવૃત્ત સીએ સાથે 1.97 કરોડની છેતરપિંડી કરી છે. જેમાં 1.97 રોકાણ કરાવીને 5 કરોડ મળ્યા હોવાનું કહીને આ પૈસા મેળવા અન્ય ટેક્ષ ભરવાના નામે પૈસા માગતા જ તેમને શંકા ગઈ હતી અને ફરિયાદી સાથે છેતરપિંડી થઈ હોવાથી ફરિયાદ નોંધાવી હતી.

પકડાયેલા આરોપીના બેંક એકાઉન્ટની તપાસ કરતા મલેશિયા અને દુબઈથી ઓપરેટ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપીને પોતાના બેંક એકાઉન્ટ ઉપયોગ કરવા 15 લાખ રૂપિયા મળ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ સાથે જ આરોપીના ખાતામાં અત્યાર સુધી ઠગાઈના કેટલા રૂપિયા જમા થયા છે અને આ ટોળકીનો મુખ્ય આરોપી કોણ છે જેને લઈ વધુ તપાસ શરૂ કરી છે.