સાયન્સ સિટીમાં એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનો શુભારંભ, જાણો તેની વિશેષતાઓ

જયેશ ચૌહાણ, અમદાવાદઃ રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલજી વિભાગ અંતર્ગત સાયન્સ સિટી, અમદાવાદમાં એક નવીનતમ ગેલેરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આવતીકાલથી અમદાવાદના સાયન્સ સિટી ખાતે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાશે. જેમાં સૌરમંડળની દિવ્ય રચના પર આધારિત આ ગેલેરી એક અદ્દભુત શૈક્ષણિક અને માહિતીસભર અનુભવ કરે તેવી ગેલેરી નિર્માણ પામી છે. આમ તો નવીન આકાર પામેલી ગેલેરી કુલ 12,797 ચોરસ મીટરના વિસ્તારમાં નિર્માણ પામેલી ત્રણ માળની છે. જેનો આકાર એક ઊંચો વિશાળ ગ્લોબ જેવી છે.

ત્રણ માળની આકાર પામેલી ગેલેરીમાં 6 મુખ્ય વિભાગો આવેલા છે. જેમાં ફંડામેન્ટલ્સ એન્ડ હિસ્ટ્રી વિભાગમાં 47 એક્ઝિબિટ્સ મુકવામાં આવ્યા છે, જે એસ્ટ્રોનોમીના મૂળ સિદ્ધાંતો અને તેના ઈતિહાસની માહિતી આપે છે. તેમજ પ્રેઝન્ટ ગેલેરી વિભાગમાં વર્તમાન સમયને અનુલક્ષીને અવકાશ મિશન અને તેને લગતી શોધોના 30 જેટલા વિવિધ એક્ઝિબિટ્સ મુકવામાં આવ્યા છે. આવી જ રીતે ફ્યુચર ગેલેરી વિભાગમાં સંશોધનના ભાવિ દ્રષ્ટિકોણને ખ્યાલમાં રાખી 24 એક્ઝિબિટ્સ બનાવવામાં આવ્યા છે.

ભારતના એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સના યોગદાનને ધ્યાને રાખી ખાસ વિજ્ઞાન ગેલેરી પણ બનાવવામાં આવી છે. જેમાં વિવિધ 32 એક્ઝિબિટ્સનો સમાવેશ થાય છે. સ્ટેરલર ગેલેરીમાં વિવિધ તારાઓ અને તારામંડળોની રચનાની માહિતી આપતા 8 એક્ઝિબિટ્સ મુકવામાં આવ્યા છે. આ સાથે વર્ચ્યુઅલ રિયાલિટી ગેલેરીમાં અવકાશનો વર્ચ્યુઅલ પ્રવાસ કરાવતા 4 એક્ઝિબિટ્સ મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાર એટ્રિયમ આધારિત અને 6 આઉટડોર ઈન્સ્ટોલેશન પણ મુલાકાતીઓના અવકાશ યાત્રા અનુભવ કરે તેવી ડિઝાઇન બનાવમાં આવી છે.

ગુજરાત સાયન્સ સિટી દ્વારા ઊભી કરવામાં આવેલી આ ગેલેરીમાં વૈજ્ઞાનિક માહિતી તેમજ વિઝ્યુઅલ દ્વારા નવી પેઢી માટે બ્રહ્માંડની રસપ્રદ જાણકારી મેળવવાનું સ્થળ બને તેવા ઉદ્દેશ્ય સાથે આકાર પામી છે. જેનું મુખ્ય આકર્ષણ જેમ કે 172 બેઠક ક્ષમતા ધરાવતો હાઇબ્રિડ ડોમ પ્લેનેટેરિયમ, જે દેશનો એકમાત્ર ઊંચો પ્લેનેટેરિયમ છે. 24 ઇંચ ટેલિસ્કોપ યુક્ત ઓબ્ઝર્વેટરી ડોમ, જેમાં 360-ડિગ્રી વ્યૂઈંગ અને અદ્યતન એસ્ટ્રોફોટોગ્રાફી સાધનો ઉપલબ્ધ છે.

વિશ્વનો સૌથી મોટો કાર્યરત મિકેનિકલ ઓરરી, 6.5 મીટર વ્યાસ ધરાવતો, જે ગ્રહોની ગતિને દર્શાવે છે. આમ આજે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ મોના ખંધારની મુલાકાત બાદ આવતીકાલથી મુલાકાતી માટે ખુલ્લી મૂકવામાં આવશે. નજીવા દરે સાયન્સ સિટી ખાતે આકાર પામેલી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી મુલાકાતીઓ મુલાકાત લઈ શકશે.