December 22, 2024

સાબરમતી બ્લાસ્ટ મામલે ત્રણ આરોપીની ધરપકડ, આડાસંબંધની આશંકા સાથે કાવતરું ઘડ્યું

મિહિર સોની, અમદાવાદઃ સાબરમતીમાં થયેલા પાર્સલ બોમ્બ બ્લાસ્ટ મામલે પોલીસે સંડોવાયેલા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. બ્લાસ્ટનું કારણ મુખ્ય આરોપીની પત્નીના ફરિયાદી સાથે આડાસંબંધ હોવાની શંકા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ આરોપીને તેની પત્ની અને બાળકોથી દૂર કર્યા હોવાથી ફરિયાદીની હત્યા બાદ અન્ય બેની હત્યાનું કાવતરૂં રચી રહ્યો હોવાનું સામે આવ્યું છે. જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

શહેરના સાબરમતી વિસ્તારમાં શિવમ રો હાઉસમાં થયેલા બ્લાસ્ટ મામલે સંડોવાયેલા ત્રણ આરોપીઓની સાબરમતી પોલીસ અને ઝોન ટુ એલસીબીએ ધરપકડ કરી છે. મુખ્ય આરોપી રૂપેન બારોટ અને તેની મદદ કરનાર રોહન રાવળ તથા ગૌરવ ગઢવીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ધરપકડ સમયે પણ તેમની પાસેથી બે દેશી બનાવટના તૈયાર બોમ્બ અને દેશી બનાવટના તમંચા સહિત પાંચ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. BDDSની મદદ લઈ પોલીસે બંને બોમ્બ ડિફયુઝ કર્યા બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ સાથે જ આરોપીઓના ઘરમાંથી મળી આવેલા હથિયારો મામલે વધુ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, મુખ્ય આરોપી રૂપેન બારોટને ફરિયાદી બળદેવ સુખડિયા સાથે આડવેર હોવાથી બ્લાસ્ટ કરી હત્યા નીપજાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ હત્યા બાદ રૂપેન તેના સાળા અને સસરાની પણ હત્યા કરવાની તૈયારી કરી રહ્યો હતો. આ માટે તેને બે બોમ્બ પણ તૈયાર કર્યા હતા. આ સાથે જ દેશી તમંચો પણ તેણે જ બનાવ્યો હતો.

સાબરમતી પોલીસે બ્લાસ્ટના ગુનામાં આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે, મુખ્ય આરોપી રૂપેન બારોટની પત્ની હેતલને બળદેવ સુખડિયા સાથે આડાસંબંધ હોવાનો શક હતો. બળદેવના કારણે જ તેની પત્ની અને બાળકો તેનાથી દૂર રહેતા હતા. આ ઉપરાંત રૂપેનની પત્ની તેને નિર્બળ હોવાના મેણા મારતી હતી. જેથી તેનો મેલ ઈગો હર્ટ થતાં પોતાનું અસ્તિત્વ સાબિત કરવા છેલ્લા છ મહિનાથી ઘરે જ બોમ્બ બનાવીને બળદેવ સુખડિયાની હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું. આ હત્યા માટે ગૌરવ ગઢવીને બોમ્બ આપવા માટે મોકલ્યો હતો અને રોહન રાવળે બોમ્બ બનાવવા માટે મદદ કરી હતી. બોમ્બ ડિલિવરી આપી ગૌરવ નીકળે તે પહેલા જ રોહને બ્લાસ્ટ કરી દેતા તેને ઈજા થતા તે ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ એકબાદ એક આરોપીના નામ સામે આવતા પોલીસે તમામની ધરપકડ કરી છે.