લગ્નના દોઢ મહિના પછી પત્નીનો આપઘાત, પોલીસકર્મી પતિ પર દહેજ-માનસિક ત્રાસનો આરોપ
મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં પોલીસ કર્મચારીની પત્નીએ આપઘાત કર્યો છે. લગ્નના દહેજમાં ગાડી નહીં મળતા પતિ માનસિક ત્રાસ આપતો હતો. પત્નીએ લગ્નના દોઢ માસમાં જ આપઘાત કરીને અંતિમ પગલું ભર્યું છે. કૃષ્ણનગર પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદમાં દહેજની લાલચમાં વધુ એક પરણીતાનો ભોગ લેવાયો છે. સુખી લગ્ન જીવનના સપના લઈને આવેલી યુવતીએ લગ્નના દોઢ માસમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ ઘટનાની વાત કરીએ તો હરિયાણાની નૈના ઉર્ફે જીની ચૌધરીના લગ્ન પોલીસ કર્મચારી જીતેન્દ્ર ચૌધરી સાથે 14 ફેબ્રુઆરી 2024માં થયા હતા. લગ્નમાં નૈનાના પિતાએ દહેજમાં જીવન જરૂરિયાતનું કરિયાવર અને 15 તોલા સોનુ પણ આપ્યું હતું. પરંતુ દહેજમાં ફોર વ્હિલર કે ટુ વ્હિલર નહીં મળતા પતિ જીતેન્દ્ર ચૌધરી પત્ની નૈનાને માનસિક ત્રાસ આપતો હતો. દહેજમાં ગાડીની માગ કરતો હતો. પતિ દંડાથી પરિણીતાને માર પણ મારતો હતો. 31 માર્ચની રાત્રે ફરી દહેજમાં ગાડી લેવા જીતેન્દ્રએ પત્ની નૈનાને માર માર્યો હતો. જેથી કંટાળીને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. કૃષ્ણનગર પોલીસે દુષપ્રેરણાનો ગુનો નોંધી આરોપી જીતેન્દ્ર ચૌધરીની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી જીતેન્દ્ર ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ છે અને પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે. દોઢ વર્ષ પહેલાં નૈના ઉર્ફે જીની ચૌધરીની સગાઈ જીતેન્દ્ર ચૌધરી સાથે થઈ હતી. સગાઈ બાદ 14 ફેબ્રુઆરીના રોજ હરિયાણામાં સમાજના રીત-રિવાજથી બંને લગ્ન થયા હતા. નૈનાએ સુખી લગ્નજીવન અને પતિના પ્રેમના સપના સાથે લગ્નજીવનની શરૂઆત કરી હતી. પરંતુ લગ્ન બાદ જ્યારે તે સાસરીમાં આવી ત્યારે પતિના મહેણાં ટોણા શરૂ થઈ ગયા હતા. પતિને દહેજમાં ફોર વ્હિલર કે ટુ વ્હિલર જોઈતી હતી. ગાડી નહીં મળતા તેને પોતાની પત્ની પર અત્યાચાર શરૂ કરી દીધા હતા. આ માનસિક અને શારીરિક શોષણ એટલી હદે વધ્યું કે, દોઢ માસમાં જ નૈના કંટાળી ગઈ અને તેને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું.
ઉલ્લેખનીય છે કે, દોઢ માસના લગ્ન જીવનનો કરુણ અંજામ આવ્યો. પરંતુ જીતેન્દ્ર ચૌધરીના ચહેરા પર કોઈ દુઃખ કે પસ્તાવો જોવા નથી મળ્યો. કૃષ્ણનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને મૃતકના પરિવાર અને પાડોશીઓના નિવેદન લઈને વધુ પૂછપરછ શરૂ કરી છે.