December 24, 2024

અમદાવાદીઓ થર્ટી ફર્સ્ટે પાર્ટી કરવાના હોય તો, જાણી લો આ છે પોલીસનો પ્લાન

મિહિર સોની, અમદાવાદઃ પોલીસે નવા વર્ષની ઉજવણીને લઈને એક્શન પ્લાન બનાવ્યો છે. દારૂની હેરાફેરી કરતા બુટલેગર અને નશો કરીને વાહન ચલાવતા લોકો પર નજર રાખવામાં આવશે.

અમદાવાદમાં નવા વર્ષની સલામત અને શાંતિપૂર્વક ઉજવાણી થાય તે માટે પોલીસ દ્વારા વ્યાપક બંદોબસ્તની યોજના ઘડવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક, નશામાં વાહન ચલાવવાથી રોકવા માટે ચેકપોસ્ટ, તેમજ મહિલાઓની સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. ખાસ કરીને શહેરમાં 132 ચેકપોસ્ટ ગોઠવવામાં આવ્યા છે, જેમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર વાહન ચાલક પર નજર રાખવામાં આવશે અને નશામાં વાહન ચલાવનારા પર કાર્યવાહી કરવામાં આવશે. સીજી રોડ, એસજી હાઈવે, સિંધુ ભવન રોડ, વસ્ત્રાપુર, પ્રહલાદનગર અને મણિનગર જેવા મુખ્ય વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવશે.

આ મામલે સેક્ટર-1ના જેસીપી નીરજ બડગુજરે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘અમદાવાદમાં 6000 પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત માટે તહેનાત કરવામાં આવશે. જેમાં સિનિયર પોલીસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર, સબ-ઇન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સામેલ છે .. સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. પોલીસ કર્મચારીઓ બોડી કેમેરા સાથે તહેનાત રહેશે, તેમજ ખાનગી ડ્રેસમાં અધિકારીઓ મોલ, ક્લબ, હોટેલ અને પ્રાઈવેટ પાર્ટી સ્થળોએ મોનિટરિંગ કરશે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘નવા વર્ષમાં બંદોબસ્ત દરમિયાન નશામાં વાહન ચલાવનારાને ઝડપી લેવા માટે 350 બ્રેથ એનાલાઈઝર્સ પોલીસને ફાળવવામાં આવ્યા છે. 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન પાબંધી અભિયાન હેઠળ બુટલેગર્સ પર ખાસ નજર રાખવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા માટે વિશેષ બંદોબસ્ત ગોઠવ્યો છે. 47 પોલીસ સ્ટેશનોમાંથી શી-ટીમ સ્ક્વોડ અને મહિલા ક્રાઈમ બ્રાંચ દ્વારા ખાનગી ડ્રેસમાં એન્ટી-રોમિયો સ્ક્વોડની રચના કરી છે. જે પાર્ટીઓમાં અને ભીડભાડવાળા વિસ્તારોમાં મહિલાઓને સુરક્ષા આપશે. આ ઉપરાંત 8 ક્વિક રિસ્પોન્સ ટીમ અને બેકઅપ સપોર્ટ ટીમ તૈનાત રહેશે. સેટેલાઈટ, મણિનગર અને નવરંગપુરા જેવા મુખ્ય પોલીસ સ્ટેશનો હેઠળ સ્ટેટ રિઝર્વ પોલીસ (એસઆરપી) પણ સ્થાનિક પોલીસને મદદ કરશે.’

31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસે નાગરિકોને જવાબદારીપૂર્વક ઉજવણી કરવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરી છે. ઉચ્ચ અધિકારીઓએ કાયદા ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને આ બંદોબસ્ત દ્વારા અમદાવાદ પોલીસ નવા વર્ષનો આરંભ શાંતિપૂર્ણ અને આનંદદાયક બનાવવા માટે પ્રયત્નશીલ બની છે.