July 2, 2024

અમદાવાદમાં બે દિવસમાં 64થી વધુ શાળાઓ સીલ કરાતા સંચાલકોમાં રોષ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ શહેરમાં પણ તંત્ર દ્વારા કામગીરી કરવામા આવી રહી છે ત્યારે છેલ્લા બે દિવસમાં 64થી વધુ શાળાઓ સીલ કરવામા આવતા સંચાલકોની બેઠક યોજાઇ હતી. શાળા સંચાલકોએ માંગ કરી છે કે સીલને ખોલવામા આવે કારણ કે સિલીંગની પ્રક્રિયાથી અંદાજીત એક લાખ વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત બન્યા છે.

રાજકોટમા થયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદમાં ફાયર અને એસ્ટેટ વિભાગ હરકતમાં આવ્યુ છે અને શાળાઓ સામે બીયુ પરમિશન અને ફાયર એનઓસીને લઇને કાર્યવાહી કરવામા આવી રહી છે. અમદાવાદમા છેલ્લા બે દિવસમાં અંદાજીત 64 જેટલી શાળાઓ અને પ્રિ સ્કુલને સીલ કરવામા આવી છે ત્યારે સંચાલકોમાં રોષ ફાટી નિકળ્યો છે. સંચાલકોએ આ સમગ્ર મામલે તાત્કાલિક બેઠક બોલાવી શુ કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી.

ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ક્યાય પણ કોઇ ઘટના બને તેના પ્રત્યાધાતો સમગ્ર રાજ્યામાં જોવા મળતા હોય છે. શાળાને જ્યારે પણ શિક્ષણ વિભાગ દ્વારા પરમિશન આપવામા આવે છે ત્યારે બીયુ પરમિશન, ફાયર એનઓસી,અને 30 વર્ષના ભાડા કરાર સહીતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામા આવે છે અને ત્યારબાદ પરમિશન આપવામા આવે છે ત્યારે કોર્પોરેશન વિભાગે શાળાઓ મામલે કંઇક વિચાર કરવો જરૂરી છે.

ભૂકંપ બાદ 2001 બાદ બીયુ પરમિશન અમલમાં આવી છે એટલે જે શાળાઓ 2001 બાદ બની છે તેમની પાસે બીયુ પરમિશન હોવી જોઇએ પરંતુ જે શાળાઓ 2001 પહેલા બની છે તેમની પાસે બીયુ પરમિશન ન હોય તે સ્વભાવિક છે ત્યારે શાળા સંચાલક મંડળનુ કહેવુ છે કે 2001 પહેલાની શાળા પાસે બીયુની ચકાસણી કરો અને જે શાળા ઓ તે પહેલાની છે તેવી શાળાઓ દર 3 વર્ષે સ્ટ્રકચર એન્જીનિયરનુ સ્ટેબિલીટી સર્ટીફિકેટ રજુ કરે તો તેવી શાળાઓને મંજુરી આપવી જોઇએ. કારણ કે સરકાર વખતોવખ નિયમો બદલે છે તે મુજબ શાળાનુ બિલ્ડીગ હોય તે જરૂરી નથી.

શાળા સંચાલક મંડળ દ્વારા સીએમને પણ રજુઆત કરવામા આવનાર છે કે શાળાનુ બિલ્ડીગનુ સીલ ખોલવામા આવે અને શાળાઓને એક કે બે મહિનાનો સમય આપવામા આવે જેથી તમામ પુર્તતા કરી શકે હાલમાં શાળામાં સીલ હોવાને કારણે તમામ ડોક્યુમેન્ટ શાળાની અંદર છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. શાળા બંધ થવાને કારણે અંદાજીત એક લાખ વિદ્યાર્થીઓ અભ્ચાસથી વંચિત બન્યા છે ત્યારે શાળાઓનુ સીલ ખોલવા માટે સંચાલક મંડળ સીએમ સુધી રજુઆત કરશે.