અમદાવાદ-નવસારી જતી વીજલાઈનની નવી આફત, ખેડૂતો લડી લેવાના મૂડમાં
કિરણસિંહ ગોહિલ, કામરેજઃ દક્ષિણ ગુજરાતનો 56ની છાતી ધરાવતો ખેડૂત વર્ષોથી જમીનને લઇને લડતો આવ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોના માથે બીજી આફત આવીને ઉભી રહી ગઈ છે. આ વખતે નવી વીજલાઇન પસાર થવાની છે, જેને લઈને સુરત જિલ્લાના ખેડૂતો પણ અત્યારથી લડી લેવા રણનીતિના ભાગરૂપે કામરેજના દિગસ ખાતે ખેડૂત સમાજની આગેવાનીમાં સ્થાનિક ખેડૂતોની મિટિંગ મળી હતી.
‘જય જવાન… જય કિસાન…’નો આ નારો આખા દેશમાં ગૂંજે છે. ચૂંટણી આવે એટલે નેતાઓને ખેડૂતોની યાદ આવે પરંતુ આ જગતનો તાત દરવર્ષે કોઈને કોઈ આફત વચ્ચે આવી જ જાય છે. પછી એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન અને વીજ લાઈનના મુદ્દે ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ત્યારે ફરી એકવાર પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમીટેડ દ્વારા નવી વીજ ટ્રાન્સમિશન લાઈન અમદાવાદથી નવસારી સુધી જવાની છે. જેના સુરત જિલ્લાના 6 તાલુકા પૈકી માંડવી, કામરેજ, બારડોલી, પલસાણા અને ચોર્યાસી તાલુકાના ખેડૂતોની જમીનમાંથી પસાર થશે જેને લઇ ગુજરાત ખેડૂત સમાજની આગેવાનીમાં કામરેજના દિગસ ખાતે સ્થાનિક ખેડૂતોની મિટિંગ મળી હતી.
આ પણ વાંચોઃ રૂંધ ગામના જમીનનો વિવાદ, ગ્રામલોકોનો લઘુ ઉદ્યોગને જમીન આપવાનો વિરોધ
ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ પણ હાજરી આપી હતી અને ગંભીર આક્ષેપ કર્યા હતા કે, ખોટી રીતે કાયદાનું અર્થઘટન કરી ખેડૂતોને નોટિસ આપવામાં આવે છે. 2013માં જમીન સંપાદનનો કાયદો લાગુ પડ્યો અને આજે પણ ખેડૂતોને 1875ના કાયદા હેઠળ નોટિસ આપી ખેડૂતોને હેરાન કરાઈ છે. હાલમાં જે અમદાવાદથી નવસારી સુધીની વીજ લાઈન પસાર થવાની છ. ખેડૂતોને ખોટી રીતે નોટિસ આપવામાં આવી છે એ મુદ્દે આજે મિટિંગ કામરેજના દિગસ ખાતે મળી હતી અને આવનાર સમયમાં આ વીજલાઈનનો ખેડૂતો વિરોધ કરશે. આવનારા સમયમાં બારડોલી ખાતે ફરી એક મિટિંગ કરી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપીશું.
કામરેજના દિગસ ખાતે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, સુરત જિલ્લા ખેડૂત પ્રમુખ પરિમલ પટેલ,દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહી અને આવનારા સમયમાં આ વીજ લાઈનનો વિરોધ કઈ રીતે કરવો એ સંદર્ભે વિસ્તારથી ચર્ચા થઈ હતી.