બિઝનેસ એપથી હનીટ્રેપ, રાજસ્થાનના વેપારીના 4 લાખ પડાવ્યાં; એકની ધરપકડ
મિહિર સોની, અમદાવાદઃ ડેટીંગ એપ બાદ હવે બિઝનેસ એપ પર હનીટ્રેપમાં ફસાવવાનું કૌભાંડ ઝડપાયું છે. રાજસ્થાનના રિયલ એસ્ટેટના બ્રોકરને યુવતીએ પ્રોપટી જોવાના બહાને બોલાવીને હનીટ્રેપમાં ફસાવ્યો અને રૂ 4 લાખની લૂંટ કરી હતી. નરોડા પોલીસે હનીટ્રેપ અને લૂંટ કેસમાં ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે.
પોલીસે આ મામલે આરોપી જયરાજસિંહ બોરીયાની ધરપકડ કરી છે. આરોપી હનીટ્રેપ ગેંગનો મેમ્બર છે. આ ગેંગએ રાજસ્થાનના રિયલ એસ્ટેટ બ્રોકરને હનીટ્રેપમાં ફસાવીને લૂંટ કરી છે.
રાજસ્થાનના બાલોતરામાં રહેતા મુકેશભાઈ ગેહલોત રિયલ એસ્ટેટનું કામ કરે છે. બિઝનેસ એપ્લિકેશન મારફતે પ્રોપર્ટીનો ધંધો કરે છે. આ રિયલ એસ્ટેટના બિઝનેસને લઈને જુદા જુદા રાજ્યોમાં પ્રોપટી જોવા જતા હોય છે. થોડા સમય પહેલા મુકેશભાઈને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં શીતલ પટેલની મહિલાએ નિકોલમાં રહે છે, તેવું કહીને પ્રોપર્ટી બતાવવાનું કહ્યું હતું. મુકેશભાઇ 16 નવેમ્બરે અમદાવાદ આવ્યા એટલે શીતલ પટેલને કોલ કર્યો હતો. જેથી શીતલ પટેલ અને તેની મિત્ર મુકેશ ભાઈને મળી હતી. તેમણે મોલમાં ખરીદી કરીને નાસ્તો કર્યો હતો. ત્યારબાદ નરોડા કેનાલ નજીક કારમાં વાત કરતા હતા, ત્યારે ક્રેટા ગાડીમાં 3 શખ્સો આવ્યા અને મુકેશભાઈને ધમકાવવા લાગ્યા હતા.
એક શખ્સે કહ્યું કે, ‘તું મારી પત્ની શીતલ સાથે શું કરે છે. તેનું અપહરણ કરીને કારમાં બેસાડી છે. મારી પત્ની સાથે દુષ્કર્મ કેમ કર્યું, તેવું કહીને કાર ઇન્દોર હાઇવે પર લઈ ગયા હતા. દુષ્કર્મની ફરિયાદ કરીશું તેવું કહીને સમાધાન માટે 50 લાખની માંગણી કરી હતી. પરંતુ મુકેશભાઈએ એક લાખની રોકડ મિત્ર પાસેથી મગાવી હતી. જેથી આરોપીઓએ ગળા પર છરી રાખીને 1 લાખ રોકડ અને પહેરેલા 3 લાખના સોનાના દાગીના સહિત 4 લાખની લૂંટ કરીને દહેગામ પાસે મુકેશભાઈને ઉતારીને કાર આપી ફરાર થઈ ગયા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પકડાયેલો આરોપી જયરાજસિંહ બોરીયા હનીટ્રેપનો સભ્ય છે. હનીટ્રેપનો માસ્ટર માઈન્ડ બોટાદનો મંગળુ ખાચર છે. આ મંગળુએ વિજય ઉર્ફે ભીખો અને શીતલ પટેલ ઉર્ફે હિના તેમજ એક અજાણી મહિલાની ગેંગ બનાવી હતી. આ હનીટ્રેપ ગેંગ બિઝનેસ એપ્લિકેશન કે સોશિયલ મીડિયા મારફતે પૈસાદાર લોકોને ટાર્ગેટ કરતા હતા. મિત્રતા કરવાના બહાને બોલાવીને અવાવરું સ્થળે લઈ જઈને દુષ્કર્મની ધમકી આપીને પૈસા પડાવતા હતા. આરોપી મંગળુ ખાચર વિરુદ્ધ આ મોડ્સ ઓપરેન્ડીથી અગાઉ અનેક ગુના નોંધાયા હતા. નરોડા પોલીસે લૂંટ કરનારા હનીટ્રેપના પાંચ સભ્યો વિરુદ્ધ ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે.
નરોડા પોલીસે આરોપી જયરાજસિંહ બોરીયાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગના બે મહિલા સહિત 4 આરોપી હજુ ફરાર હોવાથી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે કે, નળસરોવર નજીક ડેટિંગ એપ્લિકેશનથી એક યુવકને હનીટ્રેપમાં ફસાવીને 4.50 લાખની લૂંટ કરનાર ગેંગ ઝડપાઇ હતી. ત્યારે નરોડામાં વધુ એક ગેંગનો પર્દાફાશ થયો છે.