ગુજરાત સુપર લીગ સિઝન-2નું આયોજન, ફૂટબોલની 6 ટીમ લેશે ભાગ

જયેશ ચૌહાણ, અમદાવાદઃ દેશમાં ક્રિકેટને ધર્મ માનવામાં આવે છે અને એવામાં પણ IPLની શરૂઆત બાદ ક્રિકેટનો ક્રેઝ અલગ જ લેવલે પહોંચી ચૂક્યો છે. ત્યારે ક્રિકેટની સરખામણીએ અન્ય રમત હોકી, ફૂટબોલને હજુ પણ એટલું પ્રોત્સાહન નથી મળી રહ્યું. તેવામાં ગુજરાત રાજ્યમાં રમતગમત ક્ષેત્રે વધુ એક આયોજન થવા જઈ રહ્યું છે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ગુજરાત સુપર લીગ સિઝન-2ની શરૂઆત થવા જઈ રહી છે. રાજ્યમાં ફૂટબોલ ખેલાડીઓ અને તેમની ક્ષમતા વધારવા આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના કાંકરિયામાં ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે 1થી 13 મે સુધી ગુજરાત સુપર લીગ સિઝન-2ની શરૂઆત થવાની છે. જેમાં 6 વિવિધ ટીમો ભાગ લેવાની છે.
અમદાવાદ ખાતે GSFAના પ્રમુખ પરિમલ નથવાણીના હસ્તે ટ્રોફી અને 6 ટીમની જર્સીનું અનાવરણ કરવામાં આવ્યુ હતુ. 6 ટીમોના માલિક અને કોચને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
આ તકે વાત કરતા GSFAના પ્રમુખ પરિમણ નથવાણીએ ફૂટબોલનો વ્યાપ વધારવા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, આપણા દેશમાં ક્રિકેટનો ઉત્સાહ જોવા મળે છે. પરંતુ ફૂટબોલ માટે નહીં. ત્યારે હવે લોકો અને યુવાનોમાં ફૂટબોલ પ્રત્યે ઉત્સાહ આવે એ માટે કામ કરવા માગીએ છીએ. અમે ફૂટબોલ માટે એક ગ્રાઉન્ડ બનાવવા પણ વિચારણા કરી રહ્યા છીએ. રાજ્યનું પોતાનું ફૂટબોલ ગ્રાઉન્ડ હોવું જોઈએ સાથે તેમણે લોકોને પણ અપીલ કરી હતી કે, કેરાલા, બંગાળ રાજ્યમાં ફૂટબોલનો ક્રેઝ જોવા મળે છે. ત્યારે ગુજરાતમાં ફૂટબોલ પ્રત્યે ક્રેઝ કેવી રીતે વધારી શકાય તે અંગે એસોસિએશન તો કામ કરી રહ્યું છે. પરંતુ લોકોના સૂચનો હોય તો તે પણ અમારા સુધી પહોંચાડો.