July 8, 2024

જગન્નાથ મંદિરે ભંડારાનું આયોજન, કાળી રોટી-સફેદ દાળ પીરસાશે

અમદાવાદઃ જમાલપુરમાં આવેલા ભગવાન જગન્નાથના મંદિરે આજે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાંથી સાધુ-સંતો મંદિરમાં આવ્યા છે. ભંડારામાં સાધુ-સંતોને કાળી રોટી-સફેદ દાળ પીરસવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે, 20 હજાર સંતો અને ભાવિક ભક્તો માટે ભંડારો કરવામાં આવ્યો હતો. ચણા અને બટાકાનું 5 હજાર કિલો શાક બનાવવામાં આવ્યું છે. જ્યારે 10 હજાર લીટર દૂધપાક તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે કઢી પણ 10 હજાર લીટર તૈયાર કરવામાં આવી છે.

3000 કિલો લોટના માલપુઆ તૈયાર કરવામાં આવ્યા છે. 1000 કિલો લોટની પુરી અને 1000 કિલો ભાત બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 3000 કિલો ભજિયાં તૈયાર કરવામાં આવ્યા છે. આ બધી વાનગીઓ ભંડારામાં સાધુ-સંતોને પીરસવામાં આવશે.

આજે યોજાશે નેત્રોત્સવ વિધિ
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્ર મામાના ઘરે વેકેશન માણીને આજે પરત ફરશે અને તેમને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિવત્ રીતે પીઠિકા પર બિરાજમાન કરવામાં આવશે. ત્યારબાદ ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે અને આંખે પાટા બાંધી દેવાશે.