સોનાનો ભાવ આસમાને, અમદાવાદના વેપારીઓએ કહ્યું – ગ્રાહકી ઘટશે
મિહિર સોલંકી, અમદાવાદઃ દિવાળીનો તહેવાર આવે એટલે સામાન્ય જનતાથી લઈને દરેક વર્ગના લોકો થોડું તો થોડું પરંતુ સોનું જરૂરથી ખરીદે છે. ત્યારે આ વર્ષે સોનાનો ભાવ આસમાને ચડ્યો છે. જેના લીધે સામાન્ય જનતા સોનું લેવાનું તો મૂકે પણ વિચારી પણ ન શકે તેવી હાલત થઈ ગઈ છે. આ વર્ષે સોનું 80 હજારને પાર પહોંચે તેવી વાત વેપારીઓ કરી રહ્યા છે. ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા ગ્રાહક અને સોના-ચાંદીના વેપારી સાથે વાત કરતા ઘણા બધા વિવિધ મંતવ્યો જાણવા મળ્યા હતા.
દિવાળીના તહેવાર નિમિત્તે સમગ્ર દેશમાં લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે ધનતેરસના દિવસે લોકો સોના-ચાંદીની ખરીદી કરતા જોવા મળે છે. પરંતુ આ વર્ષે સોનાના ભાવમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. જેના કારણે મધ્યમ વર્ગના લોકો સોનું લેવામાં કપાત કરે એવું લાગી રહ્યું છે. દિવાળીના તહેવારમાં સોનું લેવું એ જૂની પરંપરા ચાલતી આવી છે. જેને લઇને લોકો ખૂબ જ ઉત્સાહથી ઘરની લક્ષ્મી માટે એટલે કે બાળકી કે પત્ની માટે સોનાનો દાગીનું લેવા જતા હોય છે. પરંતુ આ વર્ષે સોનાનો ભાવ 80,000 પહોંચતા લોકોમાં સોનાને લઈને ઉત્સાહ ઘટતો હોય તેવું લાગી રહ્યું છે.
વેપારીઓ સાથે વાત કરતા એવું જાણવા મળ્યું હતું કે, દર વર્ષ કરતાં આ વર્ષે ગ્રાહકીમાં મોટા પ્રમાણમાં ઘટાડો આવશે તેવું લાગી રહ્યું છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દુકાનોમાં જેવી જોઈએ તેવી ગ્રાહકી દેખાતી નથી. વેપારીઓ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવી રીતે ભાવ વધતો રહ્યો તો સોનું એક લાખ પહોંચી જશે તે દિવસ દૂર નથી. લગ્ન પ્રસંગની સિઝનને પણ હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે આવી રીતે ભાવમાં વધારો થતો રહ્યો તો લોકોને પ્રસંગમાં પણ ચાંદી લઈને ખુશ રહેવું પડશે.