વ્યાજખોરોના આતંકથી વેપારીની આત્મહત્યા, કંટાળીને ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
અમદાવાદઃ શહેરમાં વધુ એકવાર વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. ઘાટલોડિયામાં વ્યાજખોરના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યો છે. ઉછીના લીધેલા પૈસા પરત આપી દીધા હોવા છતાં વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરતો હતો. ત્યારે આ આખરે કંટાળીને વેપારીએ આત્મહત્યા કરી લીધી છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, શેર માર્કેટ અને હીરા દલાલીનું કામ કરતા વેપારીએ વ્યાજખોરના આતંકથી આપઘાત કર્યો છે. પઠાણી ઉઘરાણીથી કંટાળીને વેપારીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે. વેપારીએ 3 વર્ષ સુધી પૈસા આપ્યા હોવા છતાં તેને મૂડી ગણીને વ્યાજ-પેનલ્ટી બાકી હોવાનું કહીને વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરતો હતો.
વેપારીએ આત્મહત્યા કરી તે દિવસે સવારે વ્યાજખોર વેપારીના ઘરે ગયો હતો. તેણે ધમકી આપી હતી કે, ‘હું પૈસા આપું છું, તું ઝેર પીને મરી જા.’ ત્યારબાદ વેપારીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.
આ ઘટના ઘાટલોડિયાના કેકે નગર રોડ પર આવેલી ભાવિન સોસાયટીમાં બની હતી. વર્ષ 2017માં ભાવિન સોસાયટીમાં રહેતા અતુલભાઈ લક્ષ્મીશંકર ભટ્ટે જીભાઈ વાઘજી દેસાઈ પાસેથી 4 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. 3 વર્ષ સુધી અતુલભાઈએ જીભાઈને પૂરે પૂરા પૈસા ચૂકવી દીધા હતા. ત્યારે જીભાઈ પૈસાને મૂડી તરીકે ગણાવીને વ્યાજ અને પેનલ્ટી બાકી હોવાનું કહીને પૈસાની ઉઘરાણી કરતો હતો.
તારીખ 27 સપ્ટેમ્બરના રોજ સવારના 7 વાગ્યે જીભાઈ અતુલભાઈના ઘરે પૈસાની ઉઘરાણી માટે આવ્યા હતા. તેમણે અતુલભાઈ સાથે ઝઘડો કરીને ધમકી આપી હતી કે, ‘તું મને પૈસા પાછા આપી ના શકતો હોત તો હું તને પૈસા આપું, તું ઝેર પીને મરી જા. જો તું ઝેર પી ન શકતો હોય તો હું તારું ખૂન કરીને જેલ ભોગવવા પણ તૈયાર છું. જો તું ઝેર પીને મરી જઈશ તો પણ આ ઘર તો મારું જ છે.’
ત્યારે આ સમગ્ર મામલે પત્ની જ્યોત્સનાબેન ભટ્ટે જીભાઈ દેસાઈ વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.