December 21, 2024

પહેલા વરસાદમાં અમદાવાદ બન્યું ‘ભૂવા’મય, ઠેર-ઠેર ખાડા પડતા હાલાકી

અમદાવાદઃ ચોમાસાની ઋતુ શરૂ થતાંની સાથે જ તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ છે. તંત્રના પાપ પ્રજાએ ભોગવવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિ થઈ છે. શહેરના માણેકબાગ ચાર રસ્તા પાસે રોડ બેસી જવાની ઘટના બની હતી.

ઉલ્લેખનીય છે કે, થોડાં સમય પહેલાં જ અમદાવાદ મહાનગરપાલિકાએ આ રોડનું સમારકામ કર્યું હતું. ત્યારે પહેલા જ વરસાદમાં રોડ બેસી જતા કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. તેટલું જ નહીં, મોટી હોનારત સર્જાય તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

પહેલા વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરના ખોખરા વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો છે. ત્યારે ભૂવાને કારણે ટ્રાફિકજામ થાય તેવી સ્થિતિ પેદા થઈ છે.

આ પણ વાંચોઃ સવારે 2 કલાકમાં 52 તાલુકામાં વરસાદ, ડેસરમાં જળબંબાકાર

આ ઉપરાંત અમદાવાદ સિટી વિસ્તારમાં વોરાના રોજા પાસે શહેરકોટડા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયાં છે. લોકોના વાહનો પણ ખોટવાઈ ગયા છે. સ્થાનિકોએ તંત્ર પર આક્ષેપ કરતા કહ્યુ છે કે, દરવર્ષે પાણી ભરાવવાની સમસ્યાને કારણે જનતાને કોઈ રાહત મળી નથી રહી. મનપાએ પ્રિમોન્સૂન કામગીરીના દાવા કર્યા હતા તે માત્ર વાતો હતી. તો બીજી તરફ, પવન સાથે વરસાદ વરસતા અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ બની હતી.