ફેક્ટરી માલિકનો વ્યાજખોરોના ત્રાસથી આપઘાત, ત્રણ આરોપીની ધરપકડ
મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં એક ફેકટરીના માલિકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી છે. સુસાઇડ નોટમાં 5 લોકો ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે આ મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં 5 શખસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
વાસણા પોલીસે આ મામલે દર્શક ઠક્કર, અનિલ ગુપ્તા અને ઉમેશ ચૌહાણની ધરપકડ કરી છે. આ આરોપીઓએ ભેગા મળીને એક વેપારીને વ્યાજચક્રમાં એવો ફસાવ્યો કે, તેણે જીવનનો અંત લાવી દીધો. આ બનાવની વાત કરીએ તો વાસણા વિસ્તારમાં સ્વામિનારાયણ પાર્કમાં રહેતા અને ફ્લોર ફેક્ટરી ચલાવતા વિનોદ ઠક્કર નામના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી 5મી એપ્રિલના રોજ દુકાનમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જેમાં પોતે અંતિમ ઇચ્છા સુસાઈડ નોટમાં લખીને આપધાત કરવા પાછળના કારણોના ખુલાસા કર્યા હતા. જેથી તેની પત્નીએ આ અંગે વાસણા પોલીસ સ્ટેશનમાં 5 વ્યાજખોરો સામે આત્મહત્યા દુષ્પ્રેરણા અને ગુજરાત નાણાંની ધીરનારના અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ દાહોદની લોકસભા બેઠકનું સરવૈયું, છેલ્લી બે લોકસભા બેઠકમાં નોટામાં હજારો મત
મૃતક વિનોદ ઠક્કરે લખેલી સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે, પોતે માનસિક કંટાળી ગયા છે. જેમાં દર્શક ઠક્કર, ગોપાલ તારાજી, ઉમેશ ચૌહાણ, કમલેશ પટેલ અને અનીલ અગ્રવાલના કારણે તે આ પગલું ભરે છે. તમામ લોકો પાસેથી ધંધા માટે વ્યાજે લીધેલા પૈસા ડબલ ચૂકવી દીધા બાદ પણ ત્રાસ આપવામાં આવતો હતો. જોકે કૌટુંબિક બનેવી દર્શકકુમારને મહિને એક લાખ વ્યાજ આપવા છતાં તે હેરાન કરતો હતો. આ સાથે જ કમલેશ તેની ગાડી પણ લઈ ગયો છે અને સીંગદાણા જે વેપારીએ ખરીદ્યા હતા, તે ચોરીના હોવાનું કહીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ મળતી હતી. જેના કારણે તેમણે આ પગલું ભર્યું હતું. સુસાઈડ નોટમાં તેમણે વિમા પોલીસી અંગે પણ ઉલ્લેખ કર્યો હતો. જો કે, તેમના આ પગલાંથી પરિવાર નિરાધાર બન્યો છે.
આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા અડગ; જાણો A to Z માહિતી
મૃતક વિનોદ ઠક્કર છેલ્લાં 20 વર્ષથી જસરાજ ફ્લોર ફેક્ટરી ચલાવતા હતા. પૈસાની જરૂર હોવાથી વ્યાજે પૈસા લીધા અને વ્યાજના વ્યૂહચક્રમાં ફસાતા જીવન ટૂંકાવ્યું છે. હાલ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી અન્ય 2ની શોધખોળ હાથ ધરી છે.