July 4, 2024

અમદાવાદમાં ડબલ મર્ડર: હત્યા કરવા આવેલ 2 શખ્સોની જ થઈ ગઈ હત્યા

મિહિર સોની, અમદાવાદ: છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ અપરાધીઓનો ગઢ બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવતા રહે છે. ત્યારે, એક એવી ઘટના સામે આવી છે જે અમદાવાદમાં વધી રહેલા ક્રાઇમ રેટની ચાડી ખાય છે. અમદાવાદમાં ખડણી ઉઘરાવવાની અદાવતમાં ડબલ મર્ડરનો કિસ્સો સામે આવ્યો છે. કેસ એવો છે કે હત્યા કરવા આવેલા શખ્સોની જ હત્યા કરી દેવામાં આવી છે. અમદાવાદમાં પાન પાર્લર ચલાવતા યુવક અને તેના પરિવારે બે યુવકોની જ હત્યા કરી કાઢતા સનસનાટી ફેલાઈ ગઈ છે. સમગ્ર મામલે ગોમતીપુર પોલીસે એક આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, ગોમતીપુરમાં હાથીખાઈ ગાર્ડન નજીક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ખંડણીની ઉઘરાણી કરવાની અદાવતમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ થતા બે વ્યક્તિઓના મોત થયા છે જ્યારે એક શખ્સ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગઇકાલે મોડી રાત્રે ગોમતીપુરમાં વીર અબ્દુલ હમીદ એપાર્ટમેન્ટ પાસે આવેલ પાન પાર્લર નજીક આમિર ઉર્ફે ભાજા અંસારી, તબરેજ ખાન પઠાણ અને ઇસ્તિયાઝ ઉર્ફે રાજા અંસારી હથિયારો સાથે પહોંચ્યા હતા. ત્યારે, આરોપી સમીર અહેમદ મળીયાર, તેનો ભાઈ કામિલ મલિયાર અને શાહિલ મલીયાર વચ્ચે ઘર્ષણ થયું હતું. બન્ને જૂથો વચ્ચે થયેલી ઘર્ષણમાં આરોપીએ મૃતકના હાથમાંથી હથિયાર છીનવી લઈને હુમલો કર્યો હતો. જેમાં આમિર અને તબરેજ ખાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. જ્યારે, ઈમ્તિયાઝ ઉર્ફે રાજા ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ કેસમાં ડબલ મર્ડર અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને ગોમતીપુર પોલીસે સમરી મણિયાર નામના આરોપીની ધરપકડ કરી છે.

જાહેર રોડ પર થયેલા ડબલ મર્ડરની ધટનાથી સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને FSLની મદદ થી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી સમીર અહેમદ વીર અબ્દુલ હમીદ એપાર્ટમેન્ટમાં રહે છે અને ત્યાં પાન પાર્લરની દુકાન ચલાવે છે. ઇદના દિવસે મૃતક આમીર ઉર્ફે ભાજા અને તેના માણસો પાન પાર્લરમાં ખડણી ઉઘરાવવા પૈસાની માંગણી કરી રહ્યા હતા. આરોપી સમીરે આપવાનો ઇન્કાર કરતા દુકાનમાંથી રૂ 1700ની પડાવી લીધા હતા. આ ઝઘડાના સમાધાન માટે આરોપીએ મૃતકને બોલાવ્યા હતા. પરંતુ, મૃતકો હથિયારો લઈને આવતા બન્ને પક્ષ વચ્ચે ઘર્ષણ થયું હતું જે આખરે ડબલ મર્ડરમાં પરિણમ્યું હતું.

સૌથી ચોંકાવનારી માહિતી એ સામે આવી છે કે આ કેસમાં મૃતક આમિર ઉર્ફે ભાજા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના વિરુદ્ધ મારામારી, રાયોટિંગ, ચોરી અને હત્યા અને હત્યાના પ્રયાસના 21 ગુના નોંધાયેલા છે. ખડણી અને દાદાનો રોફ જમાવવાની અદાવતમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. ગોમતીપુર પોલીસે સમીર મણીયાર અને તેના 2 ભાઈ કામિલ અને સાહિલ વિરુદ્ધ ગુનો નોંધીને સમીરની ધરપકડ કરી છે. જ્યારે બે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.