July 4, 2024

અમદાવાદ જિલ્લામાં 30,730 દિવ્યાંગ મતદારો, વિરમગામમાં સૌથી વધુ મતદારો નોંધાયા

ફાઇલ ફોટો

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વગ્રાહી કામગીરી હાથ ધરાઈ છે. ચૂંટણી પ્રક્રિયામાં સૌથી મહત્ત્વનું પરિબળ એટલે મતદાર અને મતદાન. અમદાવાદ શહેર જિલ્લામાં મતદારોનું વૈવિધ્ય જોઈએ તો કુલ 60,39,145 મતદારો પૈકી 31,33,284 પુરુષ અને 29,05,622 મહિલાઓ મતદારો છે, જ્યારે 30,730 દિવ્યાંગ મતદારો મતાધીકારનો ઉપયોગ કરશે.

ભારતીય ચૂંટણી પંચની નિર્દેશિકા અનુસાર અમુક પ્રમાણથી વધારે દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે ઘરેથી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત મતદાન મથકો પર પણ સ્વયં સેવકો તથા વ્હીલચેરની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. વધુમાં દિવ્યાંગ મતદારો સક્ષમ (Saksham) એપ્લિકેશનની મદદથી મતદાન મથકો પર જરૂરી સુવિધા મેળવી શકશે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 30,730 દિવ્યાંગ મતદારો પૈકી 17,064 પુરુષ અને 13,662 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે એલિસબ્રિજ, બાપુનગર,જમાલપુર- ખાડિયા અને મણીનગર વિધાનસભા પૈકી પ્રત્યેકમાં એક એક એમ કુલ 4 ટ્રાન્સજેન્ડર મતદારો છે. વિરમગામ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ 2575 અને અસારવામાં સૌથી ઓછા 541 દિવ્યાંગ મતદારો છે.

વિરમગામ ઉપરાંત સાણંદ વિધાનસભા વિસ્તારમાં બે હજારથી વધુ એટલે કે 2453, વેજલપુર વિધાનસભામાં 2413, વટવામાં 2503 અને દાણીલીમડામાં 2024 દિવ્યાંગ મતદારો છે, અન્ય વિધાનસભા વિસ્તારની વાત કરવામા આવે તો ઘાટલોડિયામાં 1438, એલિસબ્રિજમાં 665, નારણપુરામાં 770, નિકોલમાં 1292, નરોડામાં 1133, ઠક્કરબાપાનગરમાં 996, બાપુનગરમાં 989, અમરાઈવાડીમાં 1320, દરિયાપુરમાં 652, જમાલપુર-ખાડિયામાં 1023, મણિનગરમાં 1486, સાબરમતીમાં 1301, દસક્રોઈમાં 1775, ધોળકામાં 1561 અને ધંધુકા વિધાનસભા વિસ્તારમાં 1820 દિવ્યાંગ મતદારો મતદાનનો ઉપયોગ કરશે.