July 4, 2024

ફાયર મામલે Ahmedabadની ઉદગમ-નવકાર સ્કૂલમાં અનેક ખામી, રિપોર્ટ રજૂ કરવા આદેશ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ લાખો રૂપિયા વસૂલતી શાળાઓમાં વાલીઓ બાળકોને એક વિશ્વાસ સાથે મોકલે છે કે, સ્કૂલમાં તેમનું સંતાન સુરક્ષિત છે. પરંતુ અમદાવાદ ડીઇઓ અને ફાયર વિભાગ દ્વારા કરવામા આવેલી કાર્યવાહીમાં સ્કૂલોની તપાસમાં ફાયર મામલે ગંભીર બેદરકારી સામે આવી છે. ફાયર સિસ્ટમ લગાવી દેવાથી અને એનઓસી મેળવી લેવાથી આગની ઘટના સમયે બચી શકાતું નથી. અમદાવાદની જાણીતી ઉદ્ગમ સ્કૂલ અને નવકાર સ્કૂલમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં ખામીઓ સામે આવતા સ્કૂલને તે દૂર કરવા અને તેનો રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી અને અમદાવાદ ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજાની ટીમે શહેરની વિવિધ શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. જેમાં અમદાવાદની બોડકદેવ વિસ્તારની ઉદગમ સ્કૂલ અને અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી નવકાર સ્કૂલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી અને ફાયર બ્રિગેડના અધિકારી સ્વસ્તિક જાડેજાએ ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીમાં જણાવ્યું હતું કે, આ શાળાઓમાં ફાયર સેફ્ટિની સુવિધા તો છે પરંતુ ક્યાંકને ક્યાંક ફાયરની ઘટનાને લઈને કેટલી ખામીઓ જોવા મળી છે. તે ખામીઓ દૂર કરવાની તાત્કાલિક અસરથી સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી

તેઓ વધુમાં જણાવે છે કે, અમદાવાદની ઉદગમ સ્કૂલમાં ફાયર વિભાગે તપાસ કરતા સ્કૂલમાં અનેક ખામીઓ સામે આવી છે. ઉદગમ પાસે ફાયર NOC ખરી પરંતુ અનેક જગ્યાએ ખામીઓ સામે આવી છે. સ્કૂલની વહીવટી કચેરીમાં ફાયરના ઉપકરણોનો અભાવ જોવા મળ્યો હતો. આ ઉપરાંત શાળાના બિલ્ડિંગ મુજબ ફાયર લોડ ન હોવાનું પણ સામે આવ્યું છે. ફાયર ઉપકરણોની આગળ ઓબસ્ટેકલ ન હોવા જોઇએ તેમ છતાં પણ રબરની શીટની પાછળ તેને રાખવામાં આવતા આગના સમયે તેને હટાવી શકાય તેમ ન હોવાને કારણે મોટી દુર્ધટના બની શકે તેમ હોવાથી તેને દૂર કરવા આદેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સ્ટેશનરીના વેપારીનું અનોખું કાર્ય, ગરીબ વિદ્યાર્થીઓ માટે શરૂ કરૂ ‘બુક બેન્ક’

ઉદગમ સ્કૂલની લેબોરેટરીમાં પણ અનેક ખામીઓ હોવાનું સામે આવ્યું હતું. કેમેસ્ટ્રી લેબમાં કેમિકલ હોવાને કારણે લેબના બે ગેટ હોવા ઉપરાંત ફાયરના ઉપકરણો પણ હોવા જરૂરી છે. ત્યારે આ લેબમાં કોઇપણ પ્રકારના ઉપકરણો ન હોવાનું સામે આવ્યું હતું અને વાયરો ખુલ્લા જોવા મળ્યા હતા. સ્કૂલના શિક્ષકોને ફાયર થાય તો શું અને કેવી રીતે સ્વબચાવ અને વિદ્યાર્થીઓનો બચાવ કરી શકાય તેની જાણકારી ન હોવાનું પણ ચકાસણીમાં સામે આવ્યું હતું.

બીજી તરફ નવકાર સ્કૂલમાં પણ ફાયર NOC અને અપડેટ સાધનો ઉપલબ્ધ હતા. પરંતુ બેઝમેન્ટ પાર્કિંગનો ઉપયોગ ભંગાર સાચવવા માટે કર્યો હોવાનું ચકાસણીમાં સામે આવ્યું છે. પાર્કિંગની જગ્યા બંધ કરી ખુરશી, પુરવણીઓ અને અન્ય સામાન રાખ્યો હોવાનું ધ્યાને આવ્યું છે. પાર્કિંગ સ્પેસ તાત્કાલિક ખાલી કરવા નવરંગ સ્કૂલ સંચાલકોને સૂચના આપવામાં આવી છે. બીજી તરફ શાળા બિલ્ડિંગના પાંચમા માળે પતરાનો શેડ મળી આવ્યો હતો, ત્યાં સ્મોક વેન્ટિલેશનની સૂચના આપવામાં આવી હતી.