September 20, 2024

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ-કસ્ટમ વિભાગનું સંયુક્ત ઓપરેશન, 1 કરોડનો ગાંજો જપ્ત

અમદાવાદઃ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ગેરકાયદેસર દવાઓના મોટા કન્સાઇન્મેન્ટને ડાર્ક વેબની મદદથી મોકલવાનું હતું, તેનો પર્દાફાશ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ સાયબર ક્રાઈમ સેલ સહિત કસ્ટમ્સ વિભાગે 1.7 કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપી પાડ્યો છે. આ જપ્તીમાં અમદાવાદ, સુરત, વાપી, નવસારી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડિલિવરી કરવાના હેતુથી 37 પાર્સલ સામેલ હતા. આ પાર્સલ યુકે, સ્પેન, થાઈલેન્ડ અને કેનેડા જેવા દેશોમાંથી આવ્યા હતા.


ડ્રગ્સની હેરફેર કરનારાઓએ ડાર્ક વેબ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એવા પ્રદેશોમાંથી ડ્રગ્સ મેળવવામાં આવતું હતું જ્યાં ગાંજો કાયદેસર છે. ચિપ પેકેટ્સ, કૂકીઝ, એર પ્યુરીફાયર અને બ્લુટુથ સ્પીકર્સ જેવી રોજિંદી વસ્તુઓમાં ડ્રગ્સ છુપાવવામાં આવતું હતું. તસ્કરો ન પકડાય તે માટે તેમનું ડિલિવરી એડ્રેસ અને સોશિયલ મીડિયા પ્રોફાઇલ, માસ્ક કરેલા આઇપી એડ્રેસ અને કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. એકવાર પાર્સલ મોકલવામાં આવ્યા પછી તસ્કરો તેમને ટ્રેક કરી શકતા હતા અને જાતે જ કલેક્ટ કરવાની વ્યવસ્થા પણ કરતા હતા. ઘણીવાર ખોટા નાટક કરીને તેને અધિકારીઓથી બચાવતા હતા.

છેલ્લા આઠ વર્ષમાં આ સૌથી મોટું ચોથા નંબરનું ડ્રગ્સ ઓપરેશન છે. હજુ આ પ્રકારના ઓપરેશન વધારશે. આ પ્રકારે 1લી જૂને ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. તેમાં પણ આ જ પ્રકારે 1.12 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમ સેલની તકેદારી અને પ્રયાસોથી આ ડ્રગ્સને પકડવામાં અને સમાજને નુકસાન થતું અટકાવવામાં મદદરૂપ થયું છે.