July 2, 2024

ડિજિટલ અરેસ્ટની ઝમકી આપી પૈસા પડાવતી ગેંગનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ સાયબર ક્રાઇમ, સીબીઆઈ, કસ્ટમ જેવી અલગ અલગ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના નામે ખોટી માહિતી આપી સામાન્ય નાગરિકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી ગેંગના ચાર આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. મહત્વનું છે કે, ઝડપાયેલા આરોપીઓના બેન્ક એકાઉન્ટમાં ભોગ બનનારા આ લોકોના રૂપિયા ટ્રાન્સફર થયા હતા. જેથી બેન્ક એકાઉન્ટ ભાડે આપનારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગના મુખ્ય આરોપી વોન્ટેડ છે.

અમદાવાદ સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા ચાર આરોપીના નામ રમેશ નાકરાણી, વિવેક ઉનડકટ, વિવેક કોલડીયા અને બળદેવ સતાણી છે. ઝડપાયેલા તમામ ચાર આરોપીઓએ પોતાના નામે બેન્ક એકાઉન્ટ ખોલી તે એકાઉન્ટ સાઇબર ક્રિમિનલ્સને આપી દીધા હતા અને જે આરોપીઓના એકાઉન્ટમાં લાખો રૂપિયાની છેતરપિંડીના રૂપિયા જમા થયા હતા. તેથી સાયબર ક્રાઇમે સુરત પાસેથી ચારે આરોપીઓની ધરપકડ કરી હતી. ગુનાના મુળ સુધી પહોંચવા માટે સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે. આ સાથે જ સાયબર ક્રાઇમ સીબીઆઈ અને કસ્ટમ એવા વિભાગના અધિકારીઓની ઓળખ આપી છેતરપિંડીમાં મહત્વનો રોલ ભજવનાર આરોપીઓ કોણ છે તેની માહિતી મેળવી તપાસ શરૂ કરી છે.

ઝડપાયેલા 4 આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, તમામ આરોપી છૂટક મજૂરી કરે છે. પરંતુ એકાઉન્ટ ભાડે આપતા દર મહિને કમિશન પેટે રૂપિયા મળતા હોવાથી પોતાના એકાઉન્ટ ભાડે આપતા હતા. સાયબર ક્રાઇમે ગુનાની તપાસ કરતા સામે આવ્યું હતું કે, આરોપી સાથે સંકળાયેલી ગેંગ અલગ અલગ વિભાગના અધિકારીની ઓળખ આપી ભોગ બનનારા ને ડિજિટલ અરેસ્ટ કરી વીડિયો કોલ પર ધમકી આપે છે. આ સાથે જ ફરિયાદીના એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરિંગ, ડ્રગ ડિલિંગ, સ્મગલિંગમાં થયો છે. જેમાં 10 વર્ષથી લઈ આજીવન કેદની જોગવાઈ હોવાની ધમકી આપતા હતા અને ફરિયાદી પાસેથી 41.25 લાખ રુપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે સાયબર ક્રાઇમે ગુનો નોંધી 4 આરોપીની ધરપકડ કરી છે.

છેતરપિંડીના ગુનામાં સાયબર ક્રાઇમે એકાઉન્ટ આપનારા ચાર આરોપીને તો ઝડપી લીધા હતા. જો કે, ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓ સાથે સંકળાયેલા અને ગેંગના મુખ્ય સૂત્રધારો મલેશિયા અને દુબઈ જેવા અન્ય દેશોમાં બેસી આ રેકેટ ચલાવતા હોવાનુ સામે આવ્યું છે. આ સાથે જ ઝડપાયેલા આરોપી કેટલા સમયથી એકાઉન્ટ ભાડે આપે છે અને તેમના એકાઉન્ટનો અન્ય કયા કયા ગુનાઓમાં ઉપયોગ થયો છે તે જાણવા માટે તપાસ શરૂ કરી છે.