પતિના શંકાશીલ સ્વભાવમાં હસતો-રમતો પરિવાર વિખેરાયો
મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં ઘર કંકાસમાં વધુ એક માળો વિખેરાયો. પતિએ શંકાશીલ સ્વભાવમાં પત્ની અને 5 વર્ષની દીકરી પર જીવલેણ હુમલો કર્યો. જેમાં દીકરીનું મોત નીપજ્યું. રામોલ પોલીસે દીકરીની હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી.
પોલીસે 5 વર્ષની દીકરીની હત્યાના કેસમાં આરોપી દિલીપ કુશવાની ધરપકડ કરી છે. આજે ધનતેરસના અવસરે લક્ષ્મી સમાન દીકરીની આરોપીએ હત્યા કરી. ઘટના કઈ એવી છે કે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા વિનાયક પાર્ક સોસાયટીમાં આરોપી દિલીપ કુશવાએ ઘર કંકાસમાં પોતાની પત્ની આશાબેન સાથે ઝઘડો કર્યો. અને ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે દિલીપએ લોખડની પાઇપ અને પથ્થરોથી પત્ની આશા અને 5 વર્ષની દીકરી ધરા પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં દીકરીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે આશાબેનને એલ જી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર છે અને જીવન મરણ વચ્ચે લડી રહ્યા છે. રામોલ પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસ કેસમાં ગુનો નોંધીને દિલીપ કુશવાની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે 45 વર્ષીય આરોપી દિલીપ કુશવાહ અને આશાબેનના લગ્ન જીવનના 20 વર્ષ થયાં છે. તેઓ વસ્ત્રાલમાં વિનાયક પાર્ક સોસાયટીમાં 5 વર્ષની દીકરી ધરા સાથે રહેતા હતા. દિલીપભાઈ હીરા ઘસવાનું કામ કરે છે જ્યારે તેમની પત્ની ફેકટરીમાં નોકરી કરતી હતી. લગ્નના ઘણા વર્ષો બાદ મેડિકલ ટ્રીટમેન્ટ પછી તેમના ઘરે દિકરીનો જન્મ થયો હતો. પરંતુ દિલીપ કુશવાહને દીકરી તેમની નહિ હોવાની શકા હતી. જેના કારણે બંન્ને પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. થોડા મહિના પહેલા દીકરી અને મકાનને લઈને ઝઘડો થતા દિલીપભાઈ ઘર છોડી જતા રહ્યા હતા. અને આજે સવારે અચાનક ઘરે આવ્યા હતા. અને ફરી બંને વચ્ચે આ મુદ્દે તકરાર થતા દિલીપ કુસવાહએ પત્નીની અને દીકરી પર જીવલેણ હુમલો કર્યો હતો.
દીકરીની હત્યા કેસમાં રામોલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને પિતાની ધરપકડ કરી છે. આ હત્યા પાછળ ઘર કંકાસ અને દીકરીને લઈને વહેમ જ હતો કે અન્ય કોઈ કારણ છે. જે મુદ્દે રામોલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.