September 20, 2024

ચાઇનાનો વીડિયો ગુજરાતના નામે સોશિયલ મીડિયામાં મૂકનારા આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ સોશિયલ મીડિયા પર ચીનના વીડિયોને ગુજરાતનો વીડિયો દર્શાવી રાજ્યની છબી ખરડાય એવા પ્રયત્નો કરનારા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વડોદરાના પ્રહ્લાદ દલવાડી નામના વ્યક્તિની ધરપકડ કરી છે.

પ્રહલાદ દલવાડીએ સોશિયલ મીડિયાના X પ્લેટફોર્મ પર પાંચમી ઓગસ્ટના દિવસે એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તૂટેલા રોડ-રસ્તાઓ પર વાહન પસાર થતા જોવા મળે છે. આ સાથે વાહનો ખાડામાં પછડાતા હોય તેવું વીડિયોમાં દેખાય છે. આ વીડિયો એક ગુજરાતી ગીત સાથે અપલોડ કરવામાં આવ્યો હતો. જો કે, આ વાયરલ વીડિયોની તપાસમાં વીડિયો ચાઇનાનો હોવાનો અને 10 જુલાઈ 2020ના રોજ વીડિયો બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

આ ચાઇનાના વીડિયોને ગુજરાતનો વીડિયો દર્શાવી અપલોડ કરનારા વ્યક્તિ સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પ્રહ્લાદ દલવાડીની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી આ વીડિયો લઈને સોંગ એડિટ કરી પોસ્ટ કર્યો હોવાની કબૂલાત કરી હતી. હાલ આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.