January 7, 2025

UPમાં માતા-પુત્રીના ડબલ મર્ડર કેસમાં ફરાર આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

મિહિર સોની,અમદાવાદ: ઉત્તર પ્રદેશમાં માતા-પુત્રીના ડબલ મર્ડર કેસમાં ફરાર આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જમીનની તકરારમાં માતા પુત્રીની હત્યા કરી સળગાવી દેવામાં આવી હતી. જે મામલે આરોપી અમદાવાદમાં છુપાયો હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચે નારોલ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. ગુનાના અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

ધરપકડ કરાયેલ આરોપીનું નામ રાજન ઉર્ફે રાજેશ ઉપાધ્યાય છે. જેણે ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં પોતાની માતા ગોદાવરી દેવી અને બહેન સૌમ્યાની 3 ડિસેમ્બરના રોજ ગળુ દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ અન્ય આરોપી સાથે મળી મૃતદેહને સળગાવી દેવામા આવ્યા હતા. જે ગુનામાં આરોપી રાજન ગુજરાતના અમદાવાદમા આવી છુપાયો હોવાની માહિતી સામે આવી હતી. જે આધારે તપાસ કરતા ક્રાઇમ બ્રાંચના પીઆઈ દીપક ઢોલાને બાતમી મળી હતી, ત્યારબાદ નારોલ વિસ્તારમાંથી આરોપી ધરપકડ કરી. ઘટનાની વાત કરીએ તો પિતા અવધેશએ કરેલી વારસાઈમાં મન દુ:ખ તથા પરિવારના 8 સભ્યોએ હત્યાને અંજામ આપ્યો હોવાનુ સામે આવ્યુ છે. જેમાથી 3 આરોપીની યુપી પોલીસે ધરપકડ કરી છે.

હત્યા માટે આરોપીઓએ માતા-પુત્રીનું મો દબાવી માથામાં ઇટોના ઘા મારી, ગળું દબાવી હત્યા કરી હતી. જમાં માતા પુત્રીની હત્યા કરવા માટે પ્લાન બનાવ્યો હતો જેમાં 3 ડિસેમ્બરનાં રોજ માતા ગોદાવરી દેવી ઘરની બહાર આવતા આરોપી કરુણાકર ગોદાવરી દેવીને ઈટથી માથાના પાછળના ભાગે મારી કૌશલે ગળું અને કરુણાકરે મોઢું દબાવી દીધેલ તેમજ ગોદાવરી દેવીનો અવાજ સાંભળતા તેની દીકરી સૌમ્ય બહાર આવતા પકડાયેલા આરોપી રાજન અને સૌમ્યાનું ગળું તથા મુન્નાએ મોઢું દબાવી દઈ બેભાન કરી દીધેલ હતી. ત્યારબાદ આરોપીઓએ ભેગા મળીને માતા -પુત્રી ને ઘરમાં ખેંચી લઈ જઈ રૂમમાં સળગાવી દીધી હતી.

ઝડપાયેલા આરોપી રાજનના પિતા અવધેસ મિલકતની વસિયતમાં મૃતક પત્ની ગોદાવરી દેવી અને પુત્રી સૌમિયાના નામે 20 વિઘા જમીન લખી આપી હતી. જ્યારે આરોપી રાજન તથા અન્ય એક પિતરાઇ ભાઈ કરુણાકરને દોઢ વિઘા જમીન આપી હતી. ઉપરાંત આરોપી રાજનના પિતાને મોટા ભાઈના વારસાઈમાં મળેલી જમીન પણ બન્ને મૃતકના નામે કરી હતી. જેથી વસીયતમા આરોપીને અન્યાય તથા મનદુખ રાખી હત્યાને અંજામ આપ્યો હતો. મહત્વની વાત તો એ છે કે આરોપીએ આ પહેલા પણ મધ્યપ્રદેશના શૂટર બોલાવી હત્યાનું કાવતરૂ રચ્યું હતુ. જોકે હત્યા ન થતા જાતે જે હત્યા કરવાનુ પ્લાનીંગ કરી હત્યાને અંજામ આપ્યો. માતા પુત્રીની હત્યા મા કુલ 8 આરોપી રાજન, કરુણાકર, કમલેશ, કૌશલ ચંદન, શાંતિ દેવી,શિલ્પાદેવી,રામ મિલન અને બલવિર ઉર્ફે મુન્ના સાથે મળી અંજામ આપ્યો હતો. જે પૈકી શાંતિ દેવી, શિલ્પા દેવી અને કરુણાકરની યુપી પોલીસે ધરપકડ કરી ચૂકી છે. નોંધનીય છે કે મૃતક પિતા અવધેશે બે લગ્ન કર્યા હતા.

ક્રાઈમ બ્રાંચ એસીપી ભરત પટેલનું કહેવું છે કે હત્યાના ગુનામાં રાજન ફરાર થતા તેના ભૂતકાળની તપાસ કરતા તે અમદાવાદમાં મજૂરી માટે અગાઉ રોકાયેલો છે. જેથી ઉત્તર પ્રદેશમાં થયેલા હત્યાની તપાસનો ધમધમાટ અમદાવાદ સુધી પહોંચ્યો અને આરોપી ફરાર થાય તે પહેલા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી. મહત્વનું છે કે માતા પુત્રીના હત્યાના ગુનામાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે અન્ય ફરાર ચાર આરોપીઓ ક્યાં છુપાયા છે. તેની તપાસ યુપી પોલીસે રાજનની કસ્ટડી મેળવી શરૂ કરવામાં આવી.