December 4, 2024

મંદિરમાં ચોરી કરતી ગેંગના 2 આરોપીની ધરપકડ, 7 ગુનાનો ભેદ ઉકેલાયો

મિહિર સોની, અમદાવાદઃ ગુજરાતના મંદિરોમાં ચોરી કરતા પશ્ચિમ બંગાળની ગેંગના બે આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ રીઢા મંદિર ચોરની તપાસમાં 7 ગુનાનો ભેદ ઉકેલાયો છે. મંદિરમાં દર્શન કરવાના બહાને રેકી કરીને ટાર્ગેટ કરતા હતા. ગુજરાતના જાણીતા મંદિરો આ ટોળકીના નિશાને હતા.

ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપી મોહમ્મદ આમીનૂર ઉર્ફે ભયંકર પઠાણ અને યાસીન કલામ શેખની મંદિર ચોરી કેસમાં ધરપકડ કરી છે. આ બંને રીઢા મંદિર ચોર છે. જેમણે નવસારી જિલ્લાના બીલીમોરાના જૈન મંદિરમાંથી ચાંદીની મૂર્તિ, પંચધાતુ મૂર્તિ અને રોકડ નાણાંની ચોરી કરી હતી. આ ચોરી કેસમાં ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, ઇસનપુર ચંડોળા તળાવ પાસે આરોપી છૂપાયા છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવીને બંને ચોરને પકડી લીધા છે. તેમની પાસેથી પંચધાતુની મૂર્તિ, ચાંદીની મૂર્તિ ઓગાળી દીધી હોવાથી તેના ચોરસા કિંમત 3.65 લાખ, રોકડ નાણાં 3.21 લાખ, ઘરફોડ ચોરીમાં ઉપયોગ લેવાતા સાધનો સહિત 7 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે, મોહંમદ આમીનૂર પઠાણ અને યાસીન શેખ બન્ને રીઢા ગુનેગાર છે. તેમની વિરુદ્ધ અમદાવાદમાં અનેક ગુના નોંધાયા છે. આરોપીઓ ગુજરાતના જુદા જુદા મંદિરને ચોરી કરવા ટાર્ગેટ કરતા હતા. તેમની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો મંદિરોમાં ચોરી કરવા માટે પહેલાં મંદિરમાં દર્શન કરવાના બહાને ચારે તરફ રેકી કરતા હતા. ત્યારબાદ રાત્રે ચોરીને અંજામ આપતા હતા. આ પ્રકારે આરોપીઓ નવસારીમાં આવેલા જૈન મંદિર, વાપીના જૈન મંદિરમાં અને મકાનોમાં ચોરીને અંજામ આપ્યો હતો. આ ઉપરાંત નંદાસણ જૈન મંદિર, અમદાવાદના વૈષ્ણોદેવી મંદિર, સોલા પાસે આવેલું બહુચર માતાજીનું મંદિર તેમજ વાપી કષ્ટભંજનદેવ મંદિરમાં ચોરીના ઇરાદે રેકી કરી હોવાની તપાસમાં ખુલાસો થયો છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે 7 ગુનાનો ભેદ ઉકેલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી મોહમ્મદ આમીનૂર વિરુદ્ધ અમદાવાદમાં 10 ગુના નોંધાયા છે. જેમાં 3 વખત પાસા અને આરોપી યાસીન શેખ વિરુદ્ધ 6 ગુના નોંધાયા છે અને એકવાર તડીપાડ કર્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આ ગેંગની સાથે અન્ય એક આરોપી અહેસામુદ્દીન ઉર્ફે કમાલ શેખ ચોરીના મુદ્દામાલ સાથે ફરાર થઈ ગયો હતો. જેની ક્રાઇમ બ્રાન્ચે કોલકાતા પોલીસને બાતમી આપતા ખડકરપુર પોલીસે ચોરીના ચાંદીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ આરોપીની કસ્ટડી મેળવશે. ત્યારે પકડાયેલા બે આરોપીને નવસારી પોલીસને સોંપવાની કાર્યવાહી કરી છે.