ચંડોળા તળાવ વિસ્તારમાં સતત બીજા દિવસે ડિમોલિશન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અમદાવાદઃ ચંડોળા તળાવમાં વિસ્તારમાં સતત બીજા દિવસે ડિમોલિશની પ્રકિયા હાથ ધરવામાં આવશે. તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ડિમોલિશનના વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. 10.96 લાખ ચોરસમીટર વિસ્તારમાં બાકી રહેલા તમામ દબાણો દૂર કરવામાં આવશે.

ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશનનો બીજો દિવસ શરૂ થયો છે. દાણીલીમડા વિસ્તાર તરફના ભાગમાં ડિમોલિશનની શરૂઆત થઈ ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, ટોરેન્ટ પાવર અને પોલીસની ટીમ ચંડોળા પહોંચી ગઈ છે. ચંડોળા તળાવમાં રહેતા લોકોનાં ઘર તૂટી રહ્યા હોવાથી લોકો ઘર ખાલી કરીને જઈ રહ્યા છે.

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની પ્રતિક્રિયા
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન મામલે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બાંગ્લાદેશીઓ સામે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ચંડોળા તળાવમાં પણ હજારોની સંખ્યામાં નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. સેંકડો લોકોને પકડીને કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ પણ અમે કહી ચૂક્યા છીએ કે ત્યાં ફકત બાંગ્લાદેશી જ રહે છે એવું નથી. લલ્લા બિહારીની વાત કરીએ, તો ક્રાઇમ બ્રાન્ચ અને આઇબી શું કરી રહી હતી? અમે વારંવાર રજૂઆત કરી પણ પોલીસ અત્યારે કેમ જાગી છે? અમે રજૂઆત કરી છે, જે 50 વર્ષથી રહે છે તો એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે. પાર્ટીશન સમયથી લોકો ત્યાં વસે છે, વિકાસ કરે એ જરૂરી છે પણ વિનાશ નહીં. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરીશું કે, વૈકલ્પિક વ્યવસ્થા આપો અને ડિમોલિશન બંધ કરો.

અત્યાર સુધીમાં 2000 બાંગ્લાદેશીના ઝૂંપડા હટાવ્યાં
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા લલ્લા બિહારીના ફાર્મહાઉસનું દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2000 બાંગ્લાદેશી નારિકોએ બનાવેલા કાચા-પાકા ઝૂંપડા દૂર કર્યા હતા. આમ, 1 લાખ ચોરસમીટર દબાણયુક્ત તળાવનો ભાગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.