News 360
Breaking News

બોપલમાં જ્વેલરી શોપમાં લૂંટ મામલે 4 આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સમાં થયેલી લૂંટ કેસનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ફિલ્મી સ્ટાઈલથી ઉત્તર પ્રદેશથી ચાર લૂંટારૂની ધરપકડ કરી છે. યુપીથી બાઈક લઈને લૂંટારુઓ લૂંટ કરવા અમદાવાદ આવ્યા હતા. ગ્રામ્ય પોલીસે 10 ટીમો બનાવીને આરોપીને ઝડપી લીધા હતા.

અમદાવાદ ગ્રામ્ય પોલીસે મુખ્ય આરોપી બિરેન્દ્ર કુમાર ખટીક, જાવેદ ઉર્ફે પતરી મુસ્લિમ, અમરસિંહ જાટબ અને જોતસિંગ દિવાકરની જ્વેલર્સ લૂંટ કેસમાં ધરપકડ કરી છે. 2 જાન્યુઆરીએ બોપલમાં આવેલા કનકપુરા જવેલર્સમાં ધોળા દિવસે ચાર લૂંટારૂઓ બંદૂકની અણીએ જવેલર્સના માલિક ભરત સોનીને બંધક બનાવીને 73 લાખના દાગીનાની લૂંટ કરી હતી. આ લૂંટ કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે 10 જેટલી ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી.

આ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ SP ઓમ પ્રકાશ જાટે કહ્યુ હતુ કે, ‘પોલીસે 300થી વધુ સીસીટીવીની તપાસ કરી હતી અને સોસાયટી, કોમ્પલેક્ષ, કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા સિક્યુરિટી ગાર્ડની તપાસ કરી હતી. આ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં લૂંટારૂના ચહેરા કેદ થયા હતા, જેની તપાસ કરતા તેઓ બોપલની અલગ અલગ સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસની ટીમે જ્યારે તપાસ કરી ત્યારે ઉત્તર પ્રદેશ નાસી ગયા હતા, જેથી પોલીસની ચાર ટીમો યુપી તપાસ અર્થે પહોંચી હતી અને ગ્રામ્ય પોલીસે ફિલ્મી ઢબે ચારેય લૂંટારૂની ધરપકડ કરી છે.’

તેમણે વધુમાં જણાવ્યુ છે કે, ગ્રામ્ય પોલીસની તપાસમાં સામે આવ્યું કે, લૂંટનો માસ્ટર માઈન્ડ બિરેન્દ્ર કુમાર ખટીક અને જાવેદ ઉર્ફે પતરી મુસ્લિમ હતો. લૂંટારૂ બિરેન્દ્ર કુમાર ખટીક એરેટેલ ટાવરમાં નોકરી કરતો હતો અને અવારનવાર અમદાવાદ આવતો-જતો હતો. જેથી અમદાવાદની ભૌગોલિક પરિસ્થિતિથી જાણકાર હતો. તેથી મિત્ર જાવેદ સાથે મળીને લૂંટનું પ્લાનિંગ કર્યું હતું. આ લૂંટના પરિચિત બોપલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અમરસિંહ અને જોતસિંગને લૂંટમાં સામેલ કર્યા હતા.

આરોપી બિરેન્દ્ર કુમાર ખટીક બે મહિના પહેલા અમદાવાદ યુપીથી બાઈક લઈને આવ્યો હતો. બે સિક્યોરિટી ગાર્ડ સાથે રાખીને બોપલ વિસ્તારમાં ચારથી પાંચ જવેલર્સની રેકી કરી હતી, પરંતુ કનકપુરા જ્વેલર્સની આસપાસ લૂંટ કરીને સરળતાથી ફરાર થવાની અને ખુલ્લી જગ્યા હોવાથી તેને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું હતું. આરોપીઓ કનકપુરા જવેલર્સ પર સતત રેકી કરીને લૂંટનો પ્લાન તૈયાર કર્યો હતો. જ્યારે આરોપી બિરેન્દ્ર કુમાર પાસે એક પિસ્ટલ હતી પણ જાવેદ યુપીથી બે તમંચા લઈને બાઈક પર અમદાવાદ આવ્યો હતો. ત્યારબાદ છેલ્લા બે મહિનાથી જવેલર્સમાં લૂંટ કરવા રેકી રકી રહ્યા હતા. બીજી જાન્યુઆરીના રોજ બપોરે ત્રણ વાગ્યે લૂંટારૂઓ જવેલર્સની લૂંટ કરી બાઈક પર અજમેર, જયપુર, દિલ્હી, ગાજિયાબાદ અને યુપીના બુલંદ શહેરમાં જતા રહ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.

આ કેસનો ભેદ ઉકેલવામાં સીસીટીવી નેત્રમ પ્રોજેક્ટની મહત્વની ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. જેમાં સીસીટીવીમાં એક સ્પલેન્ડર બાઈક અને ગ્લેમર બાઈકની શંકાસ્પદ ગતિવિધિ સીસીટીવીમાં જોવા મળી હતી. જેમાં યુપી લખેલી નંબર પ્લેટ જોઈ હતી, તેમાં બાઈકનો નંબર સ્પષ્ટ ન થતાં પોલીસે બે હજારથી વધુ સ્પલેન્ડર બાઈક ચેક કરી હતી, જેના આધારે લૂંટમાં ઉપયોગ લેવાયેલી એક બાઈકના માલિક સુધી યુપી પહોંચી હતી. આ બાઈક બિરેન્દ્ર કુમારને વેચ્યું હોવાનું ખુલાસો થયો હતો. જેથી પોલીસ લૂંટ કેસમાં બિરેન્દ્રની ઓળખ કરી હતી, જ્યારે સીસીટીવી ફૂટેજથી અમરસિંહ અને જોતસિગ ઓળખ થઈ હતી.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ યુપીના તપાસ અર્થે પહોંચી ત્યારે બે આરોપી ધરપકડ બાદ જાવેદનું નામ ખૂલ્યું હતું. પોલીસ જાવેદને પકડવા બુલંદ શહેર ગઈ હતી. ત્યારે તેનું અપહરણ થયું હોય તે રીતે લોકોનાં ટોળાએ પોલીસને ઘેરી દીધી હતી. ત્યારબાદ ગ્રામ્ય પોલીસે ફિલ્મી સ્ટાઇલે જાવેદની ધરપકડ કરી હતી. ત્યારબાદ મુખ્ય આરોપી બિરેન્દ્ર પોલીસ પકડથી દૂર હતો. પોલીસે તેના નિવાસસ્થાન, સાસરિયા અને પરિચિતનાં ઘરે વોચર રાખ્યા હતા. પરંતુ બિરેન્દ્ર પોલીસની બચવા ઘરે નહિ પરંતુ રેલવે સ્ટેશનમાં સૂતો હતો. જેની માહિતી ગ્રામ્ય પોલીસને મળતાં અલીગઢ રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો. આ બન્ને કુખ્યાત આરોપીઓ પોલીસની બચાવ 5થી વધુ સીમકાર્ડનો ઉપયોગ કર્યો હતો. પરંતુ પોલીસે ટેક્નિકલ એનાલિસિસના આધારે ચારેય આરોપી ઝડપી લીધા હતા.

પકડાયેલા મુખ્ય આરોપીમાં જાવેદ ઉર્ફે પતરી અને બિરેન્દ્ર કુમાર ખટીક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી બિરેન્દ્ર કુમાર વિરુદ્ધ એક ગુનો અને જાવેદ વિરુદ્ધ યુપીમાં લૂંટના બે ગુના નોંધાયા છે. જો કે, જાવેદ પર યુપી પોલીસે પકડવા માટે પગમાં ફાયરિંગ કર્યું હોવાનું પણ ખુલ્યું છે. આ લૂંટારાઓ લૂંટનો 73 લાખનો મુદ્દામાલ ક્યાંક છુપાવી દીધો હોવાથી આરોપી પૂછપરછ માટે ગ્રામ્ય પોલીસે રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.