બોગસ લાયસન્સ કેસમાં ગુજરાત ATSએ 16 આરોપીની ધરપકડ કરી, 15 હથિયાર સહિત કારતૂસ જપ્ત

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ ગુજરાતમાં નાગાલેન્ડના બોગસ હથિયાર લાયસન્સ મેળવવા મામલે ગુજરાત એટીએસે 16 આરોપીઓની ધરપકડ કરીને 15 હથિયાર સાથે 489 કારતૂસ કબ્જે કર્યા છે. આ ઉપરાંત વધુ આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
ગુજરાત એટીએસે ગત 8મી તારીખે બોગસ લાયસન્સ ધરાવનારા સાત આરોપીઓની ધરપકડ કરી કુલ 6 હથિયાર સહિત 135 કારતૂસ કબ્જે કર્યા હતા. તેની તપાસ અને રિમાન્ડ દરમિયાન વધુ 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી પણ બોગસ હથિયાર લાયસન્સ સાથે 15 હથિયાર અને 489 કારતૂસ કબ્જે કરવામાં આવ્યા છે.
આ બોગસ હથિયાર લાયસન્સ કેસમાં ઝડપાયેલા 16 આરોપીઓ અગાઉ પકડાયેલા સાત આરોપી સેલાભાઇ વેલાભાઇ બોળીયા, વિશાલ મુકેશભાઇ પંડ્યા, અર્જુન લાખુભાઇ અલગોતર, ધૈર્ય હેમંતભાઇ ઝરીવાલા, સદ્દમ હુસૈન, બ્રીજેશ ઉર્ફે બિહુ મહેતા તથ મુકેશ રણછોડભાઈ બાંભાના ધાર્મિક અને લગ્ન પ્રસંગમાં સંપર્કમાં આવ્યા હતા. ત્યારે આ સાત આરોપીઓ પાસે હથિયાર જોઈને પ્રભાવિત થઈ જઈને પોતાના માટે પણ લાયસન્સ પરવાનો લેવાની વાત કરી હતી. જેને લઈને આ 16 આરોપીઓએ ગુજરાત રાજ્ય બહારના રાજ્યમાંથી 5 લાખથી લઈને 25 લાખની રકમની ચૂકવણી કરીને હથિયાર લાયસન્સ અને હથિયાર મેળવ્યા હતા. ત્યારે ગુજરાત એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે, આ 16 હથિયાર શોખીનોએ આંગડિયા કે બેંક મારફતે પૈસા ચૂકવ્યા છે
ગુજરાત એટીએસની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, અગાઉ ઝડપાયેલી મુખ્ય આરોપીઓની ટોળકી ગ્રાહકોને આકર્ષવા માટે ધાર્મિક કે સામાજિક પ્રસંગમાં કમર પર હથિયાર લટકાવીને દેખાઈ શકે એ રીતે શોઓફ કરતા હતા. જોઈને લોકો તેને પૂછતા હતા કે, હથિયાર કેવી રીતે મળી શકે ત્યારે આ ગેંગ હથિયાર આપવા માટેની પ્રક્રિયા સમજાવતા હતા. જેમાં આધાર કાર્ડ, 3 વર્ષના ઇન્કમ ટેક્સ રીટર્ન સહિતના દસ્તાવેજ મેળવીને થોડા જ દિવસોમાં હથિયાર અને બોગસ હથિયાર લાયસન્સ આપી દેતા હતા. તેના બદલામાં નક્કી કરેલી રકમ ચૂકવવામાં આવતી હતી. જેમાં આ 16 આરોપીઓએ અલગ અલગ રકમ ચૂકવી હતી. જેમાં કોણે કેટલી રકમ ચૂકવી આવો તેના પર નજર કરીએ.
- અનિલ ગૌરિશંકર રાવલ – 4 લાખ 50 હજાર રૂપિયા આપ્યા
- અરજણ વિહા ભરવાડ – 3 લાખ 20 હજાર રૂપિયા આપ્યા
- ભરત રામા ભરવાડ – 3 લાખ 50 હજાર રૂપિયા આપ્યા
- દેહુલ રાજુ ભરવાડ – 7 લાખ રૂપિયા આપ્યા
- દેહુર બચુ ભોકરવા – 9 લાખ રૂપિયા આપ્યા
- જનક બલુ પટેલ – 10 લાખ 10 હજાર રૂપિયા આપ્યા
- જય શાંતિલાલ પટેલ – 9 લાખ રૂપિયા આપ્યા હતા
- જગદિશ રેવા ભુવા – 8 લાખ 50 હજાર રૂપિયા આપ્યા હતા
- લાખા રઘુ ભરવાડ – 3 લાખ 50 હજાર રૂપિયા આપ્યા હતા
- મનિશ રમેશ રૈયાણી – 10 લાખ રૂપિયા આપ્યા હતા
- નિતેશ ભાયા મીર – 50 હજાર રૂપિયા આપ્યા હતા
- રમેશ ભોજા ભરવાડ – કોઈ રૂપિયા ચૂકવ્યા ન હતા
- રિશિ ઉમેશભાઈ દેસાઈ – 7 લાખ રૂપિયા ચૂકવ્યા હતા
- સમિર ભિખુ ગધેથરિયા – 4 લાખ 50 હજાર રૂપિયા ચૂકવ્યા હતા
- વિરાજ જોગા ભરવાડ – 4 લાખ 50 હજાર રૂપિયા ચૂકવ્યા હતા
- વિરમ સોંડા ભરવાડ – 3 લાખ રૂપિયા ચૂકવ્યા હતા
આ 16 આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ હથિયાર અને હથિયાર લાયસન્સ અગાઉ પકડાયેલા સાત આરોપીઓ થકી મેળવ્યા હતા અને સાત આરોપીઓએ હરિયાણાના ખાતે આવેલા નૂહમાં આવેલા સૌકત અલી ફારૂકઅલી સોહિમ અલી તેમજ આસિફ નામના શખ્સોએ નાગાલેન્ડ અને મણિપુરના લાયસન્સ કરાવી આપ્યા હતા.
ગુજરાત એટીએસની શંકા છે કે, નાગાલેન્ડ અને મણિપુર તંત્રના કોઈ કર્મી કે અધિકારી પણ આ બોગસ લાયસન્સ કૌભાંડમાં સંડોવાયેલા હોય શકે છે. ત્યારે આ બોગસ લાયસન્સ કૌભાંડ મામલે ગુજરાત એટીએસે 108 આરોપીઓ સામે ફરિયાદ નોંધીને અત્યાર સુધીમાં કુલ 23 આરોપીઓની ધરપકડ કરીને વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ત્યારે આ બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ પ્રકાશમાં આવતાની સાથે જ એક ચર્ચા પણ શરૂ થઈ છે કે, ગુજરાતના નામચીન લોકો અને સેલિબ્રિટીઓ પાસે પણ આવા પ્રકારના હથિયાર લાયસન્સ હોય શકે છે.
હાલ 16 આરોપીઓ પૈકી 6 આરોપીઓ પર ગુનાઓ પણ નોંધાયેલા છે. જેમાં અરજણ વિહા ભરવાડ પર 2 ગુના, જનક બલુ પટેલ પર એક ગુનો, જગદીશ રેવા ભુવા પર એક ગુનો, મનીષ રમેશ રૈયાણી પર ચાર ગુના, રમેશ ભોજા ભરવાડ પર 2 ગુના, વિરમ સોંડા ભરવાડ પર એક ગુનો નોંધાઈ ચૂક્યા છે.