July 7, 2024

બોર્ડની પરીક્ષામાં અમદાવાદ જિલ્લામાં 48 ગેરરીતિના કેસ નોંધાયા, કાર્યવાહી થશે

ahmedabad board exams 48 case filed action will be taken

ગુજરાત બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે. ત્યારે બોર્ડમાં ગેરરીતિ કરતા અમદાવાદ શહેરમાં 21 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 27 જેટલા કેસ નોંધાયા છે. મહત્વનું છે કે, જેલમાં પણ પરીક્ષા યોજાવામાં આવી હતી. તેમાંથી 5 જેટલા કેદીઓ પણ પરીક્ષામાં ગેરરીતિ કરતા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવેલી બોર્ડની પરીક્ષા 26મી માર્ચના રોજ પૂર્ણ થઈ છે. ત્યારે બોર્ડ દ્વારા પરિણામની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બોર્ડ પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે તમામ વર્ગખંડમાં સીસીટીવી ફરજિયાત કરવામાં આવ્યા છે. તેમ છતાં પણ વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા હોવાનું સામે આવ્યું છે અને તમામનું હિયરીંગ કરીને રિપોર્ટ બોર્ડમાં સમબિટ કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં સીસીટીવી ફૂટેજના આધારે કુલ 16 કોપી કેસ નોંધાયા છે. 21 કોપી કેસમાંથી 6 કેસ માત્ર બે વિદ્યાર્થીઓ સામે જ છે જે ત્રણ ત્રણ વખત કોપી કરતા ઝડપાયા છે. આ ઉપરાંત સેન્ટ્રલ જેલમાં પરીક્ષા આપતા 5 કેદી પણ કોપી કરતા ઝડપાયા છે.

આ પણ વાંચોઃ જયશંકરનો જડબાતોડ જવાબ – UNએ ભારતની ચૂંટણીની ચિંતા કરવાની જરૂર નથી

ગેરરીતિ રોકવા માટે બોર્ડ દ્વારા સીસીટીવીની ચકાસણી દરમિયાન જે વિદ્યાર્થી શંકાસ્પદ દેખાય, હલનચલન કરતો જણાય તેમની સીડી વારંવાર ચેક કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ કાપલી લાવ્યા હોય, મોબાઇલ અથવા તો બીજામાંથી જોઇને લખતા હોય તેવા વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી અને તમામના નિવેદન લેવા માટે ડીઇઓ કચેરી ખાતે હિયરીંગ કરવામા આવ્યું હતું. હિયરિંગમાં વિદ્યાર્થીઓની શંકાસ્પદ ભૂમિકાની જાણ કરીને તેમની સામે કેસ કરવામાં આવ્યાં છે. અમદાવાદ શહેરમાં 16 વિદ્યાર્થીઓ ઉપરાંત જેલમાં પણ કેદીઓ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.

અમદાવાદ શહેરના ડીઇઓ રોહિત ચૌધરીએ જણાવ્યુ હતુ કે, ‘સેન્ટ્રલ જેલમાં પણ કેદીઓને અભ્યાસ કરવાની છૂટ આપવામાં આવે છે. પરંતુ આ કેદીઓ પણ ગેરરીતિ કરતા હોવાનું સામે આવ્યું છે. ધોરણ 10 અને 12માં 5 જેટલા કેદીઓ સીસીટીવીમાં કોપી કરતા હોવાનું સામે આવતા જેલમાં જ તેમનું હિયરિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ જેલમાં પરીક્ષા 49 કેદીઓ આપી હતી. જેમાં 5 કોપી કેસ સીસીટીવીની તપાસ કરતા સામે આવ્યાં છે. જેમાં 4 પરીક્ષાર્થીઓ એકબીજાને ઉત્તરવહી અદલાબદલી કરતા હોવાનું સામે આવ્યું છે અને આનો રિપોર્ટ બોર્ડને મોકલી આપવામાં આવશે.’

આ પણ વાંચોઃ AAPના મનિષ સિસોદિયાએ જેલમાંથી લખ્યો ભાવુક પત્ર, કહ્યુ – જલદી બહાર મળીશું

અમદાવાદ ગ્રામ્યની વાત કરવામાં આવે તો, અમદાવાદ ગ્રામ્યમાં 27 જેટલા કેસો ગેરરીતિ કરતા ઝડપાયા હતા. તેમાંથી ડીઇઓ દ્વારા યોજવામાં આવેલા હિયરિંગમાં 6 જેટલા વિદ્યાર્થીઓને નિર્દોષ છોડવામાં આવ્યાં છે. જ્યારે 21 વિદ્યાર્થીઓ સામે ગેરરીતિનો કેસ કરવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 10માં 13 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓ રિપિટરની પરીક્ષા આપતા હતા. તમામ વિદ્યાર્થીઓનું રિપોર્ટીંગ બોર્ડમાં મોકલી આપવામાં આવ્યું છે, જેમની સામે બોર્ડ કાર્યવાહી કરશે.